ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત : બે નાં ઘટનાસ્થળે કરુણ મોત, ચાર ઘાયલ

ટ્રક અને ઇકો ગાડી વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત : બે નાં ઘટનાસ્થળે કરુણ મોત, ચાર ઘાયલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના રતનપુર પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ઈકો ગાડીના ના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને તેમાં બેસેલા લોકો પૈકી બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર ઘાયલ દર્દીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્ન પ્રસંગે ગયો હતો.લગ્ન માથી આ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે પાલનપુર ના દાંતા તાલુકાના રતનપુર પાસે મોડી રાત્રે ઈકોગાડી અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ટ્રક અને ઇકો ગાડી ધડાકાભેર એકબીજા સાથે અથડાતા ઈકો ગાડીના ફુરચે ફૂરચા ઉડી ગયા હતા. જેમાં સવાર ચૌહાણ પરિવાર ના સભ્યો પૈકી બે સભ્યોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઉપરાંત 108 માં અન્ય ચાર ઘાયલ દર્દીઓને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ કરૂણ ઘટનાને લઇને ચૌહાણ પરિવાર માં દુઃખની લાગણી છવાઇ છે.