મુખ્યમંત્રીજી સાંભળો : ખેતરમાં મકાન ધરાવતા ખેડૂતોને જ્યોતિગ્રામ હેઠળ વીજ કનેકશન આપો

0
305

યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખીને કરી રજૂઆત

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઉના : આજે ગામડાઓમાં ખેડૂતો પોતાના પાકનાં રક્ષણ માટે અથવા ગામમાં પ્લોટના અભાવે પોતાની માલિકીના ખેતરમાં મકાન બનાવી રહેતા હોય છે ત્યારે વીજ કંપની ઓ દ્વારા આવાં ખેડૂતો ને જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેકશન આપવાનું બંધ કર્યું છે તેનાં કારણે ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખતા જણાવ્યું હતું કે રાજ્યના મોટાભાગના ગામડાંઓમાં ખેડૂતો ગામની નજીક આવેલા પોતાની માલિકીની જમીન માં પરિવાર સાથે વસવાટ કરતાં હોય છે તેમજ સંયુક્ત કુટુંબ માંથી જુદા પડી ભાઈઓ ગામમાં પ્લોટના અભાવે માલિકીની જમીન માં પરિવાર સાથે રહેણાંક કરતાં હોય છે તેમજ ધણાં ખેડૂતો ખેતીની માવજત નાં કારણે ખેતરમાં જ પરિવાર સાથે રહેણાંક કરી રહેતા હોય છે.

લોકડાઉન અને કોરોના વાઈરસ મહામારી નાં કારણે શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ધણાં પરિવારો પણ ગામમાં મકાનના અભાવે પરિવાર સાથે પોતાના માલિકીની જમીન માં રહેણાંક હોય ત્યાં રહે છે તેમજ વીજળી,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મેળવી એ નાગરિક નો બંધારણીય અધિકાર છે અને આ સુવિધાઓની સામે સરકાર,સંસ્થા કે કંપનીઓને આવક પણ પ્રાપ્ત થતી હોય છે. મળતી માહિતી તથા રૂબરૂ મળેલ રજૂઆત અનુસાર હાલમાં રાજ્યની વીજ કંપનીઓ દ્વારા ખેતીવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેકશન આપવાનું બંધ કર્યું છે. તેમજ આ વીજ કંપનીઓ દ્વારા ખેતીવાડી વિસ્તારમાં ખેડૂતો પાસે ગ્રામ પંચાયત નો આકારણી નો દાખલો, મકાન માલિકીનો દાખલો તથા ગ્રામ પંચાયત ની નંબર ની વેરા પહોંચ સહિત નાં પુરાવા હોવાં છતાં પણ વીજ કંપનીઓનાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ સિંગલ ફેઝ કનેકશન આપવામાં આવતું નથી.

ચોમાસું તથા ઉનાળાની ઋતુમાં ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ ખેતીવાડી વિસ્તારમાં જંગલી વન્ય પ્રાણીઓના ત્રાસ અને ચોરી, લુંટફાટ થવાની ભીતી વચ્ચે આજે અધિકારીઓનાં તઘલખી નિર્ણયો નાં કારણે રાજ્યનો ખેડૂતો અંધારામાં રહેવા મજબૂર થયો છે એક તરફ ભારે વરસાદ બીજી તરફ જણસોના અપૂરતાં ભાવો અને હવે ઓછાં માં પૂરું વીજ કંપની નાં અધિકારીઓનાં તઘલખી નિર્ણયો નાં કારણે દેવાં માં ડૂબેલો રાજ્યનો ખેડૂતો દિવસે ને દિવસે હેરાન પરેશાન થઈ રહ્યો છે. એ.સી. ઓફિસ માં અને ગાડીઓમાં ફરતા અધિકારી અને નેતાઓ માટે એ.સી. વગર કદાચ એક કલાક રહેવું પણ મુશ્કેલ હશે ત્યારે આજે રાજ્યનો ખેડૂતો વીજ કંપનીઓનાં અધિકારીઓનાં નિર્ણયો ને કારણે વીજળી વગર ખેતરોમાં રહી રહ્યો છે ત્યારે ખેડૂતો નાં વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિસ્તારમાં રહેતા પરિવારને જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેકશન આપવું જોઈએ તેની વીજ કંપનીઓને પણ વીજ બિલથી આવક પણ પ્રાપ્ત થશે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂત પરિવારો ને ખેતીવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં સમયસર વીજ પુરવઠો મળી રહે તે માટે જ્યોતિગ્રામ યોજના હેઠળ સિંગલ ફેઝ વીજ કનેકશન આપવા માટે વીજ કંપની ને જરૂરી આદેશો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી સરકાર તથા વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં મકાન ધરાવતા ખેડૂતો ને જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેકશન આપવા માટે જરૂરી આદેશો આપે છે કે નહીં એ હવે આવનારો સમય જ બતાવશે.