Editorial Gujarat Politics

લોકસભા ચૂંટણી 2019/ એક હજાર જેટલા NRI ગુજ્જુઓ PM મોદી માટે કરી રહયા છે પ્રચાર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને 23 એપ્રિલે મંગળવારના રોજ ગુજરાતમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે એક હજાર જેટલા NRI કેસરી કલરનો ખેસ, ‘સબકા સાથ સબકા વિકાસ’ લખેલી ટોપી અને ‘ફિર એકબાર મોદી સરકાર’નું સ્લોગન લખેલી ટી-શર્ટ પહેરીને રાજ્યના વિવિધ ભાગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યા છે.એટલું જ નહીં તેઓ ગામડાનાં લોકો સાથે બેઠક યોજે છે અને મોદીએ વડાપ્રધાન તરીકે પોતાના કાર્યકાળમાં કરેલા કામોની સૂચિ લખેલા પેમ્ફલેટ પણ વહેચે છે.

મૂળ અમદાવાદના મણિનગર વિસ્તારનાં રહેવાસી છે. અમેરિકાના શિકાગોમાં તેઓ પોતાની આઈટી કંપની ધરાવનાર 39 વર્ષીય નિરવ પટેલ ખેડા લોકસભા બેઠક હેઠળ આવતા ભુવાલડી ગામમાં પ્રચાર કરી રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની ઈમેજ બદલાઈ છે. પીએમ મોદી એક વૈશ્વિક નેતા છે. તેમના મજબૂત નેતૃત્વ હેઠળ દેશ સતત વિકાસ કરી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ બધા એનઆરઆઈ અમેરિકા, લંડન, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને કેટલાક આફ્રિકન દેશોમાંથી આવ્યા છે.

યુગાન્ડાનાં કમ્પાલામાં મેન્યુફેક્ચરિંગ બિઝનસ ચલાવતા 73 વર્ષના નરેન મહેતાએ કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીના નિર્ણયોને લઈને પ્રભાવિત થયા છે, ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન. શિકાગોમાં ફિઝિશન 82 વર્ષના ડો. ઈન્દ્રવદન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમેરિકામાંથી ફંડ પણ એકઠું કર્યું હતું.વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટે બાઈક રેલી કરવાથી લઈને ‘ચાઈ પે ચર્ચા’નું આયોજન કરવા સુધીમાં, કેનેડામાં રહેતા નરેશ ચાવડા જેવા એનઆઈઆર વિદેશમાં પણ મોદી માટે પ્રચાર કરી રહ્યા છે. બોસ્ટોનમાં રહેતા અનાર મહેતાએ કહ્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન મહિલા સશક્તિકરણ માટે યોજેલા કાર્યક્રમો માટે તે વડાપ્રધાન મોદીનું સમર્થન કરે છે. તેમણે બેટી બચાવો અભિયાન, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને ઉજ્જવલા યોજના અંગે પણ વાતચીત કરી હતી.