Editorial Gujarat Politics

મેયર અને કમિશ્નરની સાહેબગીરીને લીધે SMC નો વહીવટ ખાડે ગયો, સુરતીઓ હેરાન પરેશાન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : છેલ્લા કેટલાક દિવસોથી સુરતના મોટા ભાગના વિસ્તારની જનતા દુર્ગંધ યુક્ત પાણી પી રહી છે. જેની પાછળ ક્યાંક ને ક્યાંક સુરતના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સીધા જવાબદાર હોવાનું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કારણકે જનતાની મુશ્કેલીઓને સમજવામાં અધિકારી અને પ્રજા પ્રતિનિધિ બંને સંપૂર્ણ સદંતર પણે નિષ્ફળ ગયા છે. બીજીબાજુ સુરતની જનતાને આગામી સમયમાં પાણીની તંગીનો પણ સામનો કરવો પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

ત્યારે એકાએક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને મુખ્યમંત્રી નું તેડું આવતા હવે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. જોકે મ્યુનિસિપલ કમિશનર સુરતના લોકોની તાસીર અને સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. માત્ર મોટા મોટા બ્રિજનું નિર્માણ કરવું એ જ વિકાસ નથી પરંતુ જનતાની પાયાની સમસ્યાને સમજવી એ જ સાચો વિકાસ છે, ત્યારે હાલમાં સુરતના કતારગામ અને વરાછા જેવા વિસ્તારોમાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે છતાં પણ આ વાતને સમજવામાં સુરતના મેયર ડો. જગદીશ પટેલ અને કમિશનર સંપૂર્ણ નિષ્ફળ નીવડયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને મેયરની નિષ્ફળતાને કારણે હેરાન-પરેશાન થઈ રહેલી સુરતની જનતા તેવું ઈચ્છી રહી છે કે કમિશનર અને મેયર ની બદલી થાય કમિશનરને પણ બદલવામાં આવે અને મેયરને પણ બદલવામાં આવે. જો કે આજે પણ સુરતની જનતા કમિશનર રાવ ના કાર્યો ને ભૂલી શકતી નથી અને હવે સુરતને સ્માર્ટ સિટીનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે વધુ એક રાવ જેવા સક્રિય કમિશનરની સુરતને જરૂર છે ત્યારે રૂપાણી સરકાર દ્વારા પણ આ બાબતને ધ્યાનમાં લઈ સુરતના કમિશનર અને મેયર બંને બદલાય એવી એક ચોક્કસ વર્ગની માંગ ઉઠી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ની નિષ્ફળતા અને જોવા જઈએ તો મેયર ખુદ કતારગામ વિસ્તારના છે ત્યારે કતારગામ વિસ્તારની જનતા કેટલીક સમસ્યાઓથી પીડાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ નું કામ બરાબર થયું નથી તો કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો પણ યોગ્ય રીતે કામ આપી રહી નથી, એટલું જ નહીં પણ ખુદ ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા ની ઓફીસ સામે જ છેલ્લા પંદર દિવસથી એક મોટો ખાડો જાહેર રોડ ઉપર પડેલો હતો જેને પુરવામાં તંત્ર સાવ નિષ્ફળ નીવડયું છે અને આંખ આડા કાન કરતું રહ્યું છે, ત્યારે આજ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો પણ રાત્રીના સમયે વારંવાર બંધ જોવા મળે છે. બીજું કે આ વિસ્તારમાં દૂષિત પાણીને લઇને પણ ફરિયાદ કરવામાં આવી છે.  જનતાની સમસ્યાને ઉકેલવામાં સદંતર નિષ્ફળ ગયેલ મેયર અને કમિશનર બંનેને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરી અને સુરતને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવી શકે તેવા કમિશનર અને મેયરની જરૂર હોવાની લોકોની માંગ ઉઠી છે.