મહેસાણા LCB પોલીસે અપહરણ-ખૂન અને લૂંટના આરોપીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા

0
273

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : ગત તા.24-10-2020ના રોજ વડનગર નજીક વલાસણાની સીમમાં રોડ ઉપરથી લાડોલના પટેલ મણીલાલ અંબાબાલની લાશ મળી આવી હતી. જે બાદમાં વડનગર પોલીસ સ્ટેશને આઇપીસીની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. જોકે સમગ્ર મામલે મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે વડનગર નજીકથી મળેલ લાશ મામલે તપાસ કરી આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી. જે અનુસંધાને LCBના PI બી.એચ.રાઠોડે અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી.

મહેસાણા LCB ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે રામપુરા ચોકડીથી પાલાવાસણા સર્કલ વચ્ચેના રસ્તે આવેલ રેલ્વે બ્રિજના છેડે સરકારી તેમજ ખાનગી વાહનમાં LCBની ટીમે વોચ ગોઠવી હતી. જે બાદમાં બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતાં નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડ્યા હતા.ત્યારબાદ LCBએ પુછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જેમાં આ ત્રણેયએ ભેગામળી ગત દિવસોએ આધેડનું કારમાં અપહરણ કરી 10 લાખની માંગણી કરી હતી. જોકે આધેડે પૈસા નહીં આપતાં આખી રાત ગાડીમાં ફેરવી ગડદાપાટુંનો અને મુઢમાર મારતાં આધેડનું મોત થયાનું કબૂલ્યુ હતુ.

LCBએ કારમાંથી દેશી તમંચા નંગ-2 કિ.રૂ.10,000, જીવતા કારતુસ નંગ-6 કિ.રૂ.600, રોકડ રકમ રૂ.11,000, મોબાઇલ ફોન નંગ-5 કિ.રૂ.50,000, મારૂતિ સ્વિફ્ટ કાર કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ.6,22,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.LCBની તપાસમાં સામે આવ્યુ છે કે, આ આરોપીઓ જાહેર રસ્તા પર ઉભેલ એકલ-દોકલ વ્યક્તિઓને તથા એકલા રહેતાં વૃધ્ધ વ્યક્તિઓને ગાડીમાં લીફ્ટ આપી અપહરણ કરી રીવોલ્વર બતાવી બળજબરી પૂર્વક દાગીના, રોકડ-પૈસા તથા એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપડાવી લેતાં હતા.

પેરોલ ફરાર આરોપી સંદીપ પટેલ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ ચીરાગ પટેલ, છત્રસિંહ ચૌહાણ, અમીત પટેલ, જીગર પટેલ વગેરે નામ ધારણ કરી છેલ્લા પાંચ વર્ષથી છુપી રીતે રહેતાં હોવાનું ખૂલ્યું છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

(1) પટેલ સંદીપકુમાર સુરેશભાઇ, રહે.વસ્ત્રાલ, અમદાવાદ, મૂળ રહે.કાલરી, તા.બેચરાજી, જી.મહેસાણા
(2) રાવળ સંજયકુમાર બાબુભાઇ, રહે.હાલ. ઠક્કરનગર, અમદાવાદ, મૂળ રહે. વસાઇ ડાભલા, તા.વિજાપુર, જી.મહેસાણા
(3) રાવળ યોગેશકુમાર અરવિંદભાઇ, રહે.હાલ.ઠક્કરનગર, અમદાવાદ, મૂળ રહે. વિહાર, તા.માણસા, જી.ગાંધીનગર