Agriculture Gujarat

રાજયના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરીના પાકને મોટુ નુકશાન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના અનેક ભાગમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. આ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે તેમજ કેરીના પાકને પણ ખાસ્સું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

સાવરકુંડલા નજીકના બાંઢડા અને જાબાળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. તો ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અમરેલીમાં પણ રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતાં.

બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યાં ગાજવીજ અને કરા સાથે વરસાદી માવઠું પડ્યું હતું. આ વિસ્તારમાં બે દિવસથી બપોર પછીથી આખું વાતાવરણ બદલાયેલું હતુ. આમ એકાએક વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત તો પડયા ઉપર પાટું જેવી થઈ ગઈ છે.