Editorial Gujarat Politics

મગફળી કાંડ માં ચોકીદાર પ્રધાન મંત્રીના મુખ્યમંત્રી સહીતના મંત્રીઓ ભાગીદાર : પરેશ ધાનાણી

મો.ન્યુ.ફો.નેટવર્ક : રાજ્યભરમાં સળગી રહેલા મગફળીના ગોડાઉન અંગે ખુલાસો કરતી એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં રાજકોટના એક ફાયરફાઇટર અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની વચ્ચે વાતચીતમાં તમામ મગફળી કૌભાંડનો ખુલાસો થાય છે. ફાયરફાઇટર કહે છે અમને આગ બુઝાવતી વખતે મગફળીના કોથળા વચ્ચેથી અનેક ડિઝલના કેન મળ્યા હતા અને અને ગોંડલનું અડધું ગોડાઉન સળગતું બચાવી શક્યા હોત પણ નાયબ કલેક્ટરે કામ કરવાની ના પાડી એટલે સળગવા દીધું. મોટા ઉપાડે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી મગફળી ટેકાના ભાવે ખરીદી પણ સરકારી ગોડાઉનો તેને સાચવી ના શક્યા. ગોંડલ, પેઢલા, રાજકોટ એમ કેટલીય જગ્યાએ વારાફરતી મગફળીના ગોડાઉન સળગ્યા. કરોડોની મગફળી સળગી અને અનેક કેસો પણ થયા.

ત્યારે જામનગરમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ એક દિવસના ઉપવાસ કરી મગફળી કૌભાંડમાં રાજ્ય સરકારની સીધી સંડોવણીનો આક્ષેપ લગાવ્યો છે. મુખ્યમંત્રીથી માંડી પૂર્વ અને હયાત કૃષિ મંત્રી પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ લગાવી નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરી છે. જામ જોધપુરના જ પૂર્વ કૃષિ મંત્રીની પણ સંડોવણી હોવાનો આરોપ લગાવી સરકાર તેઓને બચાવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત ધાનાણી એ આક્ષેપ કર્યા છે કે પોરબંદરની કોંગ્રેસની જનતા રેડમાં કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોંધી, જેલમાં ધકેલવા સરકાર કમર કશી રહી છે અને માટી નાખનારને કેમ છાવરે છે ? તેવા વેધક સવાલ પણ કર્યા હતા, પોતાની વાયરલ થયેલ ઓડીઓ કલીપ બાબતે ધાનાણીએ જણાવ્યું હતું કે SDM કોના ઇશારે આગ કાબુ કરવામાં ફાયરને ઠાગાઠૈયા કરવા કહી રહ્યા હતા? આગ સમયે ગોડાઉનોમાંથી ડિઝલ ભરેલા કેરબા કોને રખાવ્યા હતા ? આ સમગ્ર બાબતો વર્ણવી સરકાર સમક્ષ વધુ એક વખત ન્યાયીક તપાસની માંગણી કરી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એમ પણ અંતે જણાવ્યું હતું.