Editorial Gujarat Personality Politics

ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વિધી કરવાનો સૌથી વધું રેકર્ડ PM નરેન્દ્ર મોદીના નામે છે

મો.ન્યુ.ફો.નેટવર્ક : અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. જગન્નાથ યાત્રામાં પહિંદ વિધિની શરૂઆત વર્ષ 1990માં કરવામાં આવી હતી. રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરીને પાણી છાંટે છે. જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે.પહિંદ વિધિ પાછળની માન્યતા મુજબ, રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે, તેથી રથયાત્રા પહેલાં રાજા જ પહિંદ વિધિ કરાવી શકે છે. ગુજરાતમાં સૌથી વધુવાર પહિંદ વિધિ કરવાનું સદભાગ્ય PM નરેન્દ્ર મોદી ને પ્રાપ્ત થયું છે.

આજે 14 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. અષાઢી બીજની વહેલી સવારે મંગળા આરતી બાદ સાત વાગ્યે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.શહેરમાં નીકળતી રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારપછી રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિ ઓડિશાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહરા’ વિધિ પરથી કરવામાં આવે છે.

PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી વધુ વખત એટલે કે 12વાર પહિંદ વિધિ કરી છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ એવા કેશુભાઈ પટેલ, છબિલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. કેશુભાઈ પટેલે પાંચવાર પહિંદ વિધિ કરી છે. તેમજ રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબહેન પટેલે ત્રણવાર પહિંદ વિધિ કરાવી હતી.