Editorial Gujarat

OMG ! નીલગાયના ટોળાએ 18 લોકોને પૂર માં તણાઈ જતાં પહેલાં બચાવી લીધા !

મો.ન્યુ.ફો.નેટવર્ક : સામાન્ય રીતે નીલગાય માણસો થી દુર ભાગે છે.તેને ખેડૂતોનું દુશ્મન પ્રાણી માનવામાં આવે છે, પરંતુ આ જ નીલગાયને કારણે કેશોદ માં 18 લોકો પૂરના પાણીમાં તણાઈ જતા બચી ગયા છે.

મળતી માહીતી મુજબ, શનિવારે બપોરે ત્રણેક વાગ્યે કેશોદ નજીક આવેલા હાંડલા વીડી ગામમાં એક ઘાસના મેદાનમાં કામ કરતા 18 લોકોએ જોયું કે નીલગાયનું ટોળું અચાનક જ માણસોની વસ્તી તરફ દોડી આવ્યું હતું. આ પ્રાણીના વર્તનથી વાકેફ ગ્રામજનોને તરત જ આભાસ થઈ ગયો કે, પૂરના પાણીથી બચવા માટે નીલગાય માણસોની વસ્તી તરફ દોડી રહી છે.

જો કે આ રીતે નીલગાયોને દોડતી જોઈ ઘાસના મેદાનમાં કામ કરી રહેલા 18 લોકો પણ સલામત સ્થળ તરફ દોડી ગયા હતા. તેઓ ગયા તેના ત્રણ જ કલાકની અંદર તેઓ જે જગ્યા પર કામ કરતા હતા તેમાં છથી સાત ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા. જો તેઓ ત્યાંથી હટ્યા ન હોત તો તેમનું બચવું મુશ્કેલ થઈ ગયું હોત. રવિવારે પણ આ મેદાનની 500 હેક્ટર જમીન પાણીમાં જ હતી.

સામાન્ય રીતે નીલગાય ની ઊંચાઈ પાંચેક ફુટની હોય છે,અને આટલા પાણીમાં સરળતાથી ડૂબી ગઈ હોત. જોકે, કુદરતે આપેલી શક્તિથી નીલગાયોના ટોળાંએ પોતાનો તો જીવ બચાવી લીધો, તેની સાથે તેના વર્તનને ઓળખી જનારા માણસો પણ પૂરના પ્રકોપથી બચી ગયા. આ ઘાસના મેદાનને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.