Editorial Gujarat Politics Trending

પરેશ ધાનાણીએ પોતાના નિવેદન બદલ કૃષિ મંત્રીની માફી માગી સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપો

પરેશ ધાનાણી ના રૂપાણી સરકાર ને વેધક સવાલ…

 વર્તમાન કૃષિ મંત્રી ફળદુ પૂર્વ કૃષિ મંત્રીને બચાવવા કેમ હવાતિયા મારી રહ્યા છે?

 કાલાવાડના હરિપરની સહકારી મંડળના કાંતીભાઈ ગઢીયા કૃષિમંત્રીના શું સગા થાય છે ? તેનો ખુલાસો કરે

કૌભાંડીઓને કાયદાના દાયરામાં લાવવાને બદલે સરકાર વિરોધપક્ષને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ.

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મગફળી કાંડ માં CM રૂપાણી અને વર્તમાન તેમજ પુર્વ કૃષી મંત્રી આ કાંડ માં સામેલ હોવાના સીધા આરોપો લગાવતા રાજકારણ ભારે ગરમાયુ હતુ,જેને લઇ ફળદુ અને સાપરિયા આકરા પાણીએ આવતા છેવટે પરેશ ધાનાણી એ પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યકત કરી, જણાવ્યું હતું કે, કૃષિમંત્રી આર.સી.ફળદુ પ્રત્યે તેમને માન છે અને વ્યક્તિગત રીતે તેમની લાગણીને ઠેસ પહોંચી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું.

પરંતુ ગઈકાલે હાપાના ગોડાઉન બહાર પ્રતીક ધરણાંમાં જામનગર અને દેવભૂમી દ્વારકાના ખેડૂતો, સહકારી આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. સ્થાનિક આગેવાનોએ કાલાવાડ તાલુકાના હરીપર ગામની સહકારી સંસ્થા સાથે જોડાયેલાં કાંતીભાઈ ગઢીયા નામના જે વ્યક્તિ જોડાયા છે, તે કૃષિ મંત્રીના સગા હોવાનું જણાવ્યું હતું. આ મંડળી પાસેથી સરકારે કેટલી મગફળી ખરીદી અને કાંતિભાઈ ગઢીયા સાથે કૃષિ મંત્રીને શું સંબંધ છે, તેનો ખુલાસો કરે એવી માગણી વિરોધપક્ષના નેતાએ કરી છે.

મગફળી કાંડ મુદ્દે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ ફેબ્રુઆરી મહિનાથી કોંગ્રેસ કરી રહી છે. છ છ મહિનાનો સમય વીત્યા પછી પણ સરકાર રૂ. ૪૦૦૦ કરોડના કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. મગફળીની મલાઈ ભાજપના મળતિયાઓ તારવી ગયા ન હોય તો સરકાર કોંગ્રેસની ન્યાયિક તપાસ ની માગણી કેમ સ્વીકારતી નથી?

પેઢલાના ગોડાઉનમાં મોટી ધાણેજ સહકારી મંડળી અને જામજોધપુરની વિવિધ કાર્યકારી સહકારી મંડળીનો મગફળીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પેઢલાના ગોડાઉન-ગ્રાઉન્ડ ઝીરો પર મગફળીનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે મોટી ધાણેજ મંડળીના સંચાલકોને આરોપીના પિંજરામાં ઉભા કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા, પરંતુ પૂર્વ કૃષિમંત્રી ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તેવી મંડળીના સંચાલકો આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. તેનાથી એવું સાબિત થાય છે કે, વર્તમાન કૃષિ મંત્રી આર.સી.ફળદુ પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયાને બચાવવા હવાતિયાં મારી રહ્યા છે એવો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે.

ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતને કલંક લાગે તેવું રૂ. ૪૦૦૦ કરોડનું ખુલ્લેઆમ કૌભાંડ આચર્યું છે અને કૃષિ મંત્રીએ ભાજપના મોટા માથાંઓની સૂચનાથી છ છ મહિના સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ભાજપ સરકારે કૌભાંડ ઉપર પડદો પાડવા માટે સરકારની મીઠી નજર તળે ગોડાઉન સળગાવી દીધા હતા. જેના કારણે આખી સરકાર શંકાના દાયરામાં આવી ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી તેનો રેલો પહોંચવાનો હતો એટલે સરકાર ચોરી ઉપર સીનાજોરી કરતી હોય એમ કૌભાંડ ઉજાગર કરનારાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા, જેલમાં પૂરી દીધા પરંતુ આરોપીઓને શંકાના દાયરામાં લાવીને તપાસ કરતી નથી.

મગફળીની ખરીદીમાં કૌભાંડ થયું ન હોય તો કૃષિ મંત્રી વિરોધપક્ષની માગણી મુજબ હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક જાંચનો સ્વીકાર કેમ કરતા નથી? શા માટે ૨૭૯ ગોડાઉનોમાં મગફળી અને માટી-ધૂળ ભરેલાં કોથળાઓની તપાસ કરાવતા નથી?

ધાનાણીએ સરકાર ઉપર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, કૌભાંડીઓને કાયદાના દાયરામાં લાવવાને બદલે સરકાર વિરોધપક્ષને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ એવી ચિમકી આપતા તેમણે જણાવ્યું હતું કે, ૧૨-જુનના રોજ વિરોધપક્ષ દ્વારા મિડીયા મારફતે વેચાણ પ્રતિબંધ માટે કરેલી જાહેર વિનંતી છતાં વિતેલા માત્ર બે મહિનામાં સસ્તા દરે ૪.૭૫ લાખ મેટ્રિક ટન મગફળી વેચાણનાં બહાના તળે માટી, પત્થર અને કાંકરાનાં પુરાવાઓનો સરકારે નાશ શું કામે કરી રહી છે.?