Gujarat Personality Politics

જાહેર મંચ પર PM મોદીએ કરેલ પ્રશંસાને લઇ ડો.જય નારાયણ વ્યાસે શુ કહ્યુ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ડો.જય નારાયણ વ્યાસ એ ગુજરાતના રાજકારણનો એક એવો ચહેરો છે જેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસને પણ કોઈ વિરોધ ન હોઈ શકે. જય નારાયણ વ્યાસ ગુજરાતના સૌથી વિદ્વાન રાજકીય નેતા અને પ્રખર અર્થશાસ્ત્રી છે જે ખરેખર નરેન્દ્ર મોદીના દિલ્હી ગમન પછી આજે ગુજરાતના મુખ્યમંત્રી હોવા જોઈએ એવી લાગણી સૌ કોઈ ગુજરાતીના મનમાં હશે જ. ત્યારે આજે એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય નારાયણ વ્યાસ ની જાહેર મંચ પરથી પ્રસંશા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે પાકિસ્તાન, આતંકવાદ અને કોંગ્રેસ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ સાથે સાથે તેમણે મંચ પરથી ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસને પણ યાદ કર્યા હતા. પીએમ મોદીએ મંચ પરથી જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું હતું કે, હું સંઘનું કામ કરતો હતો, ત્યારે તેમના ઘરે ગયો હતો. એ સમયે જયનારાયણભાઇ મોટા સાહેબ હતા. સરકારમાં મોટા સાહેબ હતા. તેમના ઘરની બહાર લાલ લાઇટવાળી ગાડીઓ ઊભી હોય. એ દિવસે મેં તેમને પહેલીવાર સાંભળેલા કે, આ અર્થકારણ શું કહેવાય, ઇનવેસ્ટમેન્ટ શું કહેવાય?

PM મોદીએ કરેલા વખાણ અંગે જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, જ્યારે માણસ મોટો બને ત્યારે તેમનામાં સહાજીક નમ્રતા આવતી હોય છે. નરેન્દ્રભાઇએ મારો ઉલ્લેખ કર્યો એનો મને આનંદ છે. એ તેમની મોટાઇ છે. હું એને ખૂબ જ નમ્રતાપૂર્વક સ્વીકારું છું.સાથે જ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમની સાથે કામ કરવાના અનુભવો વિશે વાત કરતાં જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, તેમની સાથે કામ કર્યું છે. તેમની સાથે પાંચ વર્ષ આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું હતું. પરંતુ ક્યારેય સાથે કામ કરવા દરમિયાન દિલચોરીને સલાહ નથી આપી. જે લાગ્યું તે કહ્યું. મને લાગે છે કે તે નરેન્દ્રભાઇને ગમે છે.