Gujarat Politics

માર્કેટિંગથી પ્રભાવિત થઇ પ્રોડક્ટ પસંદ કરી શકાય પણ સરકાર ક્યારેય પસંદ ના કરી શકાય-રેશ્મા પટેલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાત મોડલ અને વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરતી ભાજપનાં શાસનમાં “જળ એ જ જીવન” ની પરિભાષાને વેરવિખેર કરી ગુજરાતની પ્રજા,પશુ,પક્ષીને તરસ્યા રાખી પોતાના શાસન વ્યવસ્થાની નિષ્ફળતા સાબિત કરે છે.પાયાની જરૂરિયાતને છીન-ભિન્ન કરી માત્ર માર્કેટીંગથી લોકોને ભ્રમિત કરવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય છે.રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું કે, જનતાને વિનંતી કરુ છું કે માર્કેટિંગથી પ્રભાવિત થઇને પ્રોડક્ટ પસંદ કરી શકાય પણ સરકાર ક્યારેય પસંદ ના કરી શકાય.

ગુજરાત રાજ્યમાં પાણીની તંગીથી ઉભી થયેલી વિકટ સમસ્યા મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- NCP ના કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલ ઉપર સરકાર દ્વારા કાર્યવાહી થાય તે માટે શંકરસિંહ વાઘેલા, જયંત પટેલ બોસ્કી, બબલદાસ પટેલ, રેશ્મા પટેલ, નિકુલસિંહ તોમર,    સી.આર પટેલ સહિતના આગેવાનો અને NCP ના કાર્યકરો દ્વારા આજ તારીખ 17/05/2019 ના રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજી ને રાજ ભવન ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે આ અહેવાલ સંદર્ભે ગુજરાતમાં  સમગ્ર સ્થળે સત્વરે પીવાના પાણીની વ્યવસ્થાનું સુચારુ આયોજન કરાય અને આગામી સમયમાં આગોતરા આયોજન થકી જળ સંચયની કામગીરીને વૈજ્ઞાનીક ઢબે કરી ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા તંત્ર ગોઠવાય તે જોવા રાજ્યપાલશ્રી મારફતે સરકારને તાકીદ કરાઈ.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે અહેવાલ માં ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે  કે દરેક તાલુકા, કક્ષાએ એક “પાણી તકેદારી સમિતિ” બનાવવી જોઈએ તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો, પાણીના મુદ્દે કાર્યરત NGO ના લોકોને સામેલ કરી TDO કે મામલતદાર ની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા મુદ્દે થતી કાર્યવાહી નું આયોજન કરે તેમજ તેનું અમલીકરણ ગોઠવાય.