Gujarat National Politics

રાહુલ ગાંધી દેશના13 કરોડ મોદી સમાજના લોકોનું અપમાન કરવા બદલ માફી માંગે : પૂર્ણેશ મોદી

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન મોદી પર સીધુ નિશાન તાક્યુ છે અને સવાલ કર્યો છે કે, બધા ‘ચોરો’ના નામ ‘મોદી’ જ કેમ હોય છે. રાહુલ ગાંધી ભાગેડુ બિઝનેસમેન નિરવ મોદી અને આઇપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીનો હવાલો આપતા કટાક્ષ કર્યો હતો. જેને લઈને દેશના 13 કરોડ મોદી સમાજના લોકોમાં રાહુલ ગાંધી પ્રત્યે ભારે આક્રોશ પેદા થયો છે. ત્યારે આક્રોશને વ્યક્ત કરવા માટે સુરત નાનપુરા વિવેકાનંદની પ્રતિમા ખાતે મોદી સમાજે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો અને રાહુલ ગાંધીને માફી માંગવા માટેની માંગ કરી હતી.

રાહુલ ગાંધીના આ નિવેદન સામે વિરોધ નોંધાવતા સુરતમાં  મોદી સમાજના તમામ લોકોએ ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો  અને રાહુલ ગાંધી  વિરૂદ્ધમાં નારા લગાવ્યા હતા. મોદી સમાજના સુરતના ધારાસભ્ય  પૂર્ણેશ મોદીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  રાહુલ ગાંધીએ  તમામ મોદી સમાજના લોકોને ચોર ગણાવ્યા છે,  જે મોદી સમાજ સાંખી નહીં લે  અને આવનાર સમયમાં  રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કરાશે.

વધુમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં  શું બધા મોદી અટક ધારી ચોર છે ? શું આખો મોદી સમાજ ચોર છે ? સુરતી મોઢ વણિક સમાજ અને મોઢ ઘાંચી સમાજ ગુજરાતમાં મોદી સમાજના નામે ઓળખાય છે તો શું મોઢ વણિક સમાજ અને મોઢ ઘાંચી સમાજ ચોર છે ? આખા દેશમાં ૧૩ કરોડ લોકો અલગ-અલગ અટક મોદી સમાજ ધરાવે છે તો આખા દેશમાં તમામ ૧૩ કરોડ લોકો ચોર છે ?મોદી સંસ્કૃતિ ખતરામાં છે. બધા એક થઈને રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરતના મક્કાઈ પુલ નાનપુરા ખાતે વિવેકાનંદ ની પ્રતિમા પાસે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં સુરતમાં વસતા મોઢ મોદી સમાજના આગેવાનોએ શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલા, ઉપપ્રમુખશ્રી મનહરભાઈ લાપસીવાલા,સમસ્ત મોઢ મોદી સમાજના ઉપપ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી સહિતના અગ્રણી સહિત સુરતી મોઢ વણિક સમસ્ત પંચ  અને  ગુજરાત મોઢ મોદી  સમાજના નેતૃત્વમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણાના પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી સમસ્ત મોઢ મોદી સમાજની અને દેશની માફી માંગે એવી માંગણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં મહિલાઓની અને યુવાનોની ખૂબ જ વિશેષ ઉપસ્થિતિ હતી.લોકોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો. સમસ્ત મોઢ મોદી સમાજના ઉપપ્રમુખ પૂર્ણેશભાઈ મોદીની આગેવાનીમાં જોડાયેલા લોકોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.