કોંગ્રેસના આરોપો ફગાવતા સી.આર.પાટીલે કહ્યું, ” વીડિયોમાં સોમાભાઈએ મારું નામ ક્યાં લીધું છે ? “

0
1976

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના છે. ત્યારે ભાજપ દ્વારા પૈસા આપીને જનપ્રતિનિધિ ખરીદવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનના વીડિયો પણ જાહેર કર્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સાથે જ સી.આર.પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ફગાવતા કહ્યું હતું કે, વીડિયોમાં ક્યાંય સોમાભાઈ પટેલ દેખાતા જ નથી. સોમાભાઈ પટેલે ક્યાંય મારૂ નામ લીધું જ નથી. સોમાભાઈએ ક્યાંય એવુ કહ્યું જ નથી કે, હું પૈસાની લેવડ દેવડમાં હતો જ નહીં. સોમાભાઈ જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે અમે બંને સાથે સંસદમાં હતાં. સોમાભાઈએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે હું પ્રદેશની ટીમમાં જ નહોતો. તો પછી મારૂ નામ ક્યાં વચ્ચે આવે જ? કોંગ્રેસ માત્ર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારના આક્ષેપો બદલ કોંગ્રેસે માફી માંગવી જોઈએ. પાટીલે મોઢવાડિયાને જુઠવાડિયા કહ્યા અને કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ પુલવામા હુમલા વખતે ખોટા આરોપો લગાવ્યા હતા આ પ્રકારના આક્ષેપો બદલ કોંગ્રેસે માફી માગવી જોઈએ, ભાજપ તમામ આઠ બેઠકો જીતશે.