Exclusive : ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે ઋત્વિજ પટેલનું પુનરાવર્તન થશે ખરું ? નવો ચહેરો પાટીદાર કે પછી કોણ ? જાણો

0
1251

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ભાજપ હાઈકમાન્ડે એકાએક ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ને બદલીને તેમના સ્થાને ‘પાટીલ ભાઉ’ ને પ્રદેશ પ્રમુખ બનાવતા ગુજરાત ભાજપના નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ પાટીલ ભાઉ એ આઠ વિધાનસભા ની પેટાચૂંટણીના પરિણામ પૂર્વે એકાએક 37 થી વધુ જિલ્લા ભાજપ પ્રમુખોને બદલીને સૌને સરપ્રાઇઝ આપી દીધું હતું. જો કે પાટીલ ભાઉ એ મોટાભાગના જિલ્લા પ્રમુખો ની બદલી કરી નાખી હતી અને એક નવું સંગઠન બનાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ નો પણ વારો આવી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ ને સ્થાને કોઈ નવા જ યુવા ચહેરાને સ્થાન આપવામાં આવી શકે છે. ઋત્વિજ પટેલ ની રિપીટ થવાની હાલમાં કોઈ જ શક્યતાઓ દેખાતી નથી કારણકે ઋત્વિજ પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા છે જેથી ઋત્વિજ પટેલના પુનરાવર્તનની શક્યતાઓ નહિવત જણાય છે.

અમદાવાદના રિવરફ્રંટ પર ઋત્વિજ પટેલે પોલીસ સામે દાદાગીરી કરી હતી. તેને લઈને ભાજપની ઇમેજને મોટો ધબ્બો લાગ્યો હતો. કારણકે ઋત્વિજ પટેલે એક સડકછાપ નેતાની જેમ પોલીસ અધિકારીઓને તેમના પટ્ટા ઉતારી દેવડાવવા ની ધમકી આપી હતી. જેને લઇને કોંગ્રેસને ટીકાનો દાવ મળી ગયો હતો.

તો વળી, એનએસયુઆઇના કાર્યકરોએ અમદાવાદમાં યોજેલી રેલી દરમિયાન ઋત્વિજ પટેલ ની હાજરીમાં જ ABVP કાર્યકરો NSUIના કાર્યકરો પર તૂટી પડ્યા હતા.જેમાં NSUI ના નિખિલ સવાણી ઘાયલ થયા હતા. આ ઘટના દરમિયાન ઋત્વિજ પટેલ પણ ત્યાં હાજર હતા. અને તેમણે પણ આ કાર્યકરો ને રોકવાને બદલે જાણે પ્રોત્સાહન આપ્યું હોય તેવા NSUI ના કાર્યકરોએ આક્ષેપ કરતા પોલીસ ફરિયાદમાં ઋત્વિજ પટેલ નું નામ નોંધાયું હતું. ઋત્વિજ પટેલનું નામ FIR માંથી દૂર કરવા માટે પોલીસે નિખિલ સવાણી ને રીતસરની ધાક-ધમકીઓ, લાલચ આપી હોવાનો નિખીલ સવાણીએ જે તે સમયે આક્ષેપ પણ કર્યા હતા. જોકે આ ઘટનાને લઈને પણ ભાજપને મોટો દાગ લાગ્યો હતો.

આમ વારંવાર વિવાદાસ્પદ બનેલ ઋત્વિજ પટેલને બદલવામાં આવશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે હવે ઋત્વિજ પટેલના સ્થાને નવો ચહેરો કોણ અને ક્યાંથી ? ઋત્વિજ પટેલ એ ઉત્તર ગુજરાત ના હતા. હવે યુવાનોમાં ખાસ નારાજગી સૌરાષ્ટ્રમાં માનવામાં આવી રહી છે ત્યારે નવા ચહેરાને સૌરાષ્ટ્રમાંથી સ્થાન મળી શકે છે અથવા તો બનાસકાંઠા માંથી નવા ચહેરાને સ્થાન મળી શકે છે. જોકે આ વખતે નવો ચહેરો કોઈ પાટીદાર નહિ પરંતુ અન્ય સમાજમાંથી હશે એવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે પાટીલ ભાઉ હવે યુવાનોને ભાજપ તરફ આકર્ષવા માટે કયા વિસ્તારમાંથી કયા ચહેરાને મેદાનમાં ઉતારશે અને ક્યારે ઉતારશે ?