Editorial Gujarat Politics

રૂપાણી સરકારે શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇ બદલ્યો નિર્ણય, જે જાણીને લાગશે મોટો આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક : રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેને ખુદ CM અને સિનીયર પ્રધાનોને જાણ કર્યા વિના જ નવરાત્રી ના નવ દિવસના વેકેશન ની ઉતાવળે જાહેરાત કરવી બહુ ભારે પડી છે.જો કે આ મુદ્દે નારાજ CM એ વિભાવરી બેનને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાનો ઠપકો આપ્યો હોવાની ચર્ચાએ ભારે શોર મચાવ્યો છે.બીજી બાજુ સરકારે નવ દિવસનું વેકેશન ટૂંકાવી સાત દિવસનું કરી દેવાની જાહેરાત કરી છે.

શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે સાત દિવસના વેકેશનની જાહેરાત કરી છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વેકેશનને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષામાં કોઈ અડચણ ઉભી નહીં થાય. આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. અને જરૂર પડ્યે પરીક્ષાના કાર્યક્રમમાં પણ ફેરફાર કરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરમાં નવરાત્રિની રજાનો ઉલ્લેખ કર્યો ન હતો અને 19 ઓક્ટોબરથી ધોરણ નવથી બારમી પ્રથમ કસોટી ગોઠવી હતી.નવરાત્રિના સાત દિવસના વેકેશનને કારણે દિવાળીનું વેકેશન ટૂંકાવાય તેવી શક્યતા છે. સરકારના આ નિવેદનથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ અસમંજસમાં મુકાયા છે. સરકાર કાં તો પરીક્ષા પાછી ઠેલશે અથવા તો દિવાળીના વેકેશનમાં પણ કાપ મુકશે. જેથી નવરાત્રિ બાદ પરીક્ષાઓ યોજાઈ શકે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં પૂરતો સમય મળી શકે છે.