વિસનગર ભાજપમાં ઋષિ-પ્રકાશનો જૂથવાદ ચરમસીમાએ : કોંગ્રેસ ક્યાં સુધી રહેશે નિષ્ક્રિય ?

0
1480

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ બાદ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સત્તા હાંસલ કરવા માટે વિવિધ રાજકીય ચોગઠા ગોઠવવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસની જેમ ભાજપમાં પણ જૂથવાદ દિવસે દિવસે વધતો જાય છે. જો આમને આમ ચાલ્યા જ કરશે તો ભાજપને પણ ભવિષ્યમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

2017 પહેલા બે નેતાઓ એકમંચ પર દેખાતા હતા એ હવે સામસામે

ઉત્તર ગુજરાતનું વિસનગર એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરંતુ હાલમાં વિસનગરના રાજકારણમાં ભાજપમાં સૌથી મોટો જૂથવાદ ચાલી રહ્યો છે, જેમાં ભાજપના બે દિગ્ગજો પ્રકાશ પટેલ અને ઋષિકેશ પટેલ કે જેઓ 2017 સુધી એક મંચ પર જોવા મળતા હતા તેઓ ટિકિટના વિવાદને લઈને આજે સામે હોવાનું વિસનગર નગરજનો પાસેથી જાણવા મળ્યું હતું. હાલમાં ભાજપમાં ઋષિ-પ્રકાશનો જૂથવાદ ચરમસીમાએ છે જેમાં ભાજપના કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો પણ આ બે જૂથોમાં વહેંચાઈ ગયા છે.

કોણ કોના જૂથમાં….?

વિસનગરના રાજકીય વર્તુળો માં ચર્ચાતી વિગતો મુજબ હાલમાં પ્રકાશ પટેલ જૂથમાં પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલ, આર.કે જ્વેલર્સ વાળા રાજુભાઈ સહિતના હોદ્દેદારો છે જ્યારે ઋષિકેશ જૂથમાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રી છે.

નગરપાલિકાનું રાજકારણ ખૂબ જ રસપ્રદ…પાલિકા પ્રમુખે કેસરિયો ધારણ કરેલ પણ…..

વિસનગર નગરપાલિકા નો રાજકીય ઇતિહાસ રસપ્રદ છે જે તે સમયે વિસનગર નગરપાલિકામાં વિકાસના ૧૭ સભ્યો, બાર કોંગ્રેસના અને સાત ભાજપના સભ્યો હતા. પરંતુ આ વિકાસ મંચ ના 17 સભ્યો ભાજપના જ બે જૂથોમાં વહેંચાઈ ગયા. એટલું જ નહીં કોંગ્રેસના 12 સભ્યોની પણ ભાજપના બે જુથો સાથે સાઠગાંઠ વધવાથી મૂળ કોંગ્રેસી એવા ગોવિંદ પટેલ ભાજપના ટેકાથી કેસરીયો ધારણ કરીને નગરપાલિકા પ્રમુખ બન્યા પરંતુ રસપ્રદ બાબત તો એ છે કે તેમાં ઉપપ્રમુખ હાલ કોંગ્રેસના છે. જોકે ગોવિંદ પટેલે ભાજપનો કેસરીયો ધારણ કર્યો પરંતુ ગોવિંદ પટેલ આગામી સમયમાં ભાજપ માટે કેટલા ઉપયોગી સાબિત થશે તે કહેવું કઠિન છે. કહેવાય છે કે સત્તા ટકાવવા રાજકારણમાં બધું જ યોગ્ય માનવામાં આવતું હોય છે.

ખરીદવેચાણ સંઘમાં વહીવટદાર કેમ નિમવા પડ્યા ?

વિસનગર ભાજપના જૂથવાદને કારણે જ હાલ ખરીદ વેચાણ સંઘમાં વહીવટદાર નિમાયા છે જોકે એપીએમસીમાં હાલ ભાજપનું શાસન છે જેમાં ઋષિકેશ પટેલ એપીએમસીના ચેરમેન છે તો વળી પ્રકાશ પટેલ એપીએમસીના ડિરેક્ટર છે. ભાજપના જૂથવાદે ને કારણે વિસનગર શહેરનો જોઈએ એવો અન્ય વિકસિત શહેરોની સરખામણીમાં વિકાસ થયો નથી.

પ્રકાશ પટેલ અને ઋષિકેશ પટેલનું રાજકીય કદ કેટલું મોટું …?

વાચકમિત્રોને જણાવી દઈએ કે પ્રકાશભાઈ પટેલ એ હાલના વર્તમાન મહેસાણાના સંસદ સભ્ય શારદાબેન પટેલ ના નજીકના અંગત સંબંધી છે જોકે આગામી સમયમાં યોજાનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રકાશ પટેલ ની ટિકિટ મળે તે માટેના પણ પ્રયત્નો અંદરખાને ચાલતા હોવાનું ચર્ચાય છે તો ઋષિકેશ પટેલ પાટીદાર આંદોલન વખતે ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ ચહેરો છે અને હાલના વિસનગરના ધારાસભ્ય છે.

ક્યા ક્યા કોંગ્રેસના જૂના જોગીઓ નિષ્ક્રિય….?

જોકે વિસનગરમાં કોંગ્રેસ ખૂબ જ નિષ્ક્રિય હોવાનું માનવામાં આવે છે. હાલમાં કોંગ્રેસ પાસે માત્ર અને માત્ર તાલુકા પંચાયત જ છે એમાં પણ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ જ્યારે કારોબારી કમિટીના અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારો ભાજપના છે. કોંગ્રેસના હાલના નેતાઓ પક્ષની પ્રગતિને બદલે પોતાની પ્રગતિમાં વધારે રસ દાખવી રહ્યા હોવાનું ચર્ચાય છે. જોકે કોંગ્રેસના કેટલાક જૂના જોગીઓ જેમાં બાબુભાઈ પટેલ (વાસણવાળા), પ્રોફેસર ડી.આઈ. પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શકુંતલાબેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ અને અનુસૂચિત જાતિના નેતા ગણપત પરમાર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણ પટેલ સહિતના જો કોંગ્રેસના જૂના જોગીઓ સક્રિય બને તો આગામી સમયમાં ભાજપને હંફાવી શકે છે.!