Editorial Gujarat

શામળાજી પોલીસનું નાક કપાયું, પોલીસ મથકમાંથી જ દારૂની ચોરી!

 

મો.ન્યુ.ફો.નેટવર્ક :  એકબાજુ સરકાર ગુજરાતમાં દારૂબંધી ની વાતો કરે છે,તો બીજી બાજુ રોજેરોજ દારૂ પકડાય છે. રાજ્યમાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી એની તો વારંવાર સાબિતીઓ મળતી રહે છે. બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાના કેસો પણ વારંવાર બનતા રહે છે. હવે, તો ગુનેગારો એટલા બેફામ બની ગયા છે કે તેઓને જાણે પોલીસનો ડર જ રહ્યો નથી. શામળાજીમાં બનેલી એક ઘટનાએ તો પોલીસનું નાક જ કાપી લીધું છે. શામળાજી પોલીસ લાઈનમાંથી જ દારૂની ચોરી થઈ છે.

મળતી માહીતી મુજબ પોલીસે થોડા દિવસો અગાઉ દારૂ લઈ જતી એક કન્ટેનર ઝડપ્યું હતું. આ કન્ટેનરને પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યું હતું. શનિવારની રાત્રે આ કન્ટેનરનું લોક તોડી અજાણ્યા શખસો લગભગ 7.75 લાખ રૂપિયાની કિંમતનો 131 પેટી દારૂ ચોરી ગયા હતા. આ ઘટનાએ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

જો કે આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ શામળાજી પોલીસ મથકે દોડી આવ્યા હતા. હાલમાં તો પોલીસે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પણ, આ ઘટનાએ પોલીસની આબરુના લીરેલીરા ઉડાડી દીધા છે.