Editorial Gujarat

SMC મેયર, કમિશ્નર અને પોલીસ કમિશ્નરને દારૂબંધીનો તમાચો, જાહેર શૌચાલયો બન્યાં દારૂના અડ્ડા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (દિખા સો લિખા) : શ..શ..શ..શ..શ…ચૂપ…હાલમાં ગુજરાતના બાહુબલી એવા રૂપાણી સરકારના રાજમાં જામ્બાજ ગૃહમંત્રી એવા શ્રી…શ્રી…શ્રી…શ્રી પ્રદીપસિંહ જાડેજા ના કડક આદેશ થી ગુજરાતમાં માત્ર કાગળો પર દારૂબંધી ચાલી રહી છે.જેમાં મોટા માથાઓને માટે સ્પેશ્યલ નિયમો અને સામાન્ય કોથળી પીનારા લોકો માટે કડક નિયમો ની જોગવાઇ કરી છે,જેનો યશ રૂપાણી સરકારે મોટા મોટા હોર્ડીગ લગાવડાવીને સંપૂર્ણ ઉઠાવ્યો હતો.જેમાં કૉંગ્રેસ ના નેતાઓ એ પણ રૂપાણી સરકારના આ નિયમની ભરપૂર પ્રશંશા કરીને પોતાની ઉદારતા પ્રગટ કરવામાં પણ કાંઇ બાકી રાખ્યું નથી.જો કે ભાજ્પ-કૉંગ્રેસ ની ભાગીદારીથી ચાલતી આ દારૂબંધીની ચળવળ થી શુ પૂજ્ય બાપુના આત્મા ને શાંતિ મળતી હશે ખરી ?

 

ના હો ભાઇ…..બાપુ તો કદાચ એમ વિચારતા હશે કે આના કરતાં તો દારૂની પાબંધી ના કરી હોત તો સારુ હતુ. વર્તમાન સમયની દારૂબંધી જોઈને કદાચ બાપુ ને પણ દુખ થતુ હશે.કારણ કે આ જ દારૂબંધી ના ઓઠા હેઠળ લોકોને દારૂ પીવડાવી નેતા ઓ મત લઇ ચૂંટણી જીતી જાય છે.માત્ર કાગળો પર દારૂબંધી કરી સરકાર તો એવી ભ્રમણા ઓ માં રાચવા લાગી છે કે જાણે ગુજરાતમાં દારૂ મળતો જ નથી. પણ આવા દિવાસ્વપ્ન જોનારા નેતાઓ અને સરકારના મંત્રીઓ એ ગુજરાતના શૌચાલયો માં જઇને ‘ડોળા ફાડીને’ જોવાની જરૂર છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સુરત જેવા શહેરમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છતાં પણ સાયલન્ટ મોડમાં રહીને કામગીરી કરતા પોલીસ કમિશનરને આ દેખાતું નથી. વળી દારૂડિયાઓ એ દારૂ પીવા માટે એવી જગ્યા પસંદ કરી છે કે જયાં પોલીસ પણ રેડ પાડી શકતી નથી. હવે આ જગ્યા એટલે મહાનગરપાલિકાના જાહેર શૌચાલય. સુરતમાં મોટા ભાગના મહાનગરપાલિકા ના જાહેર શૌચાલયમાં દારૂની દેશી કોથળીઓ ખુલ્લેઆમ પડેલી જોવા મળતી હોય છે, ત્યારે જોઈ ને સવાલ એ થાય કે આ શૌચાલયો છે કે પછી દારૂ પીવાના અડ્ડા?

સુરતના વરાછા અને કતારગામ વિસ્તાર ના જાહેર શૌચાલયમાં ઘણી જગ્યાએ આવી દારૂની કોથળીઓ જોવા મળે છે. જેનો સીધો અર્થ એ છે કે દારૂડિયા દારૂ પીવા માટે આ શૌચાલયો નો ઉપયોગ કરે છે કે જયાં પોલીસ પણ રેડ પાડવાની હિંમત કરી શકતી નથી તો બીજી બાજુ જે લોકોને શૌચાલય નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે એમને બેસાડેલા માણસો દ્વારા પણ આવા લોકોને બેરોકટોક દારૂ પીવા દેવામાં આવતો હોય છે. જોકે આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને કોઈ જ ચિંતા કે કોઈ શરમ જેવું છે જ નહીં નહીતો આજ સુધી આવા શૌચાલયોના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભર્યા હોત.