……તો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં શિક્ષિત મહિલાઓને મળી શકે છે મહત્વના મંત્રીપદ !

0
1733

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાતમાં રૂપાણી સરકાર ના મંત્રી મંડળમાં ફેરફારની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ જ્યારે અટકળો તેજ બની હતી ત્યારે એકાએક ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇ ગતિવિધિઓ ઠંડી પડી ગઈ હતી ત્યારે હવે એકવાર પુનઃ મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ગતિવિધિઓની ચર્ચાએ ભારે જોર પકડયું છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે સી. આર. પાટીલ મોદી સ્ટાઇલથી કામ કરવા ટેવાયેલા છે. તેથી તેઓ જવાબદારીમાં નિષ્ફળ નીવડેલા નિષ્ક્રિય રહેલા મંત્રી પદ સંભાળતા નેતાઓ પાસેથી મંત્રી પદ છીનવી અન્ય સક્રિય, સક્ષમ અને સમર્થ નેતાઓને મંત્રીપદ સોંપી શકે છે.

જાણવા મળતી વિગતો મુજબ આગામી સમયમાં જો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણ થાય તો કદાચ મહત્વના ગણાતા શિક્ષણ ખાતા અને આરોગ્ય ખાતાની જવાબદારી વધારે શિક્ષિત હોય અને સક્રિય તેમજ સમર્થ હોય એવા ભાજપના નેતાઓને મંત્રી પદ મળી શકે છે એવી અટકળોએ જોર પકડ્યું છે.

તો બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારમાં આ વખતે વધુ કેટલીક શિક્ષિત મહિલાઓને પ્રાધાન્ય મળી શકે છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાત ના શિક્ષિત મહિલા ધારાસભ્યોને સ્થાન મળે એવી પૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે. જોકે શિક્ષણ અને આરોગ્યને લઈને છેલ્લા ઘણા સમયથી રૂપાણી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે આ શિક્ષણ અને આરોગ્ય બંને મહત્ત્વના મંત્રીપદ કોઈ સક્રિય શિક્ષિત અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય એવા નેતાઓને સોંપવામાં આવી શકે છે કે જેથી આગામી સમયમાં શિક્ષણ અને આરોગ્યને લઇને રૂપાણી સરકારને મીડિયામાં કે સોશિયલ મીડિયામાં ટીકા નો શિકાર ન બનવું પડે.