સમસ્યાઓનું સમાધાન : ઊંઝા ભાજપ દ્વારા લોકકલ્યાણ કેમ્પ યોજાયો, વિવિધ સરકારી યોજનાઓનો લોકોને મળ્યો લાભ

0
1298

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ભારતીય જનતા પાર્ટી ઊંઝા દ્વારા 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવ દિવસ માટે લોક કલ્યાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા લોકોને ખરા અર્થમાં જે લાયક છે તેવા લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય તે માટે આ કેમ્પનું આયોજન થયું હતું જેમાં 150 કરતાં વધારે લોકોએ વિવિધ યોજનાઓની માહિતી મેળવી અને એ તેનો લાભ પ્રાપ્ત કર્યો હતો એમ ઊંઝા ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી શહેર પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ઊંઝા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના માર્ગદર્શન મુજબ આયોજિત આ કેમ્પમાં વિવિધ જાતિના દાખલા, વિધવા સહાય યોજના, રાશન કાર્ડ ને લગતી માહિતી તેમજ દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ ઉપરાંત આત્મનિર્ભર યોજના સહિત અનેક યોજનાઓ ની લોકોએ માહિતી પ્રાપ્ત કરી હતી. જોકે સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાશનકાર્ડને લઈ કેટલાય લોકો વર્ષોથી મામલતદાર કચેરીના ધક્કા ખાતા હતા પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન મળતું ન હતું તેવા લોકોને પણ માર્ગદર્શન આપી તેમની મુશ્કેલીઓનું સમાધાન કરવામાં આવ્યું હતું.