EDUCATION Gujarat Humanity Lifestyle

દક્ષિણ ગુજરાતની હૈયું ધ્રુજાવી દેનારી સ્ટોરી : દીકરાને ડૉક્ટર બનાવવા પ્રજ્ઞાચક્ષુ પિતા કિડની વેચવા થયા તૈયાર અને પછી……જાણો શુ થયુ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગરીબી માણસને કેટલો મજબુર બનાવી દે છે એનો એક કિસ્સો દક્ષિણ ગુજરાતના નવસારી માંથી બહાર આવ્યો છે. જમા આવકનું કોઈ પણ સાધન ન હોવાને કારણે પિતા પોતાના પુત્રને ડોક્ટર બનાવવા માટે કિડની વેચવા તૈયાર થયા છે. જેને લઈને આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યા છે. 10 વર્ષ પહેલા દ્રષ્ટિ ગુમાવનારા જયેશ પટેલ પાસે નોકરી નથી. નવસારીના એક અંતરિયાળ ગામમાં રહેતા 45 વર્ષીય જયેશ પટેલ ભલે આંખે જોઈ ના શકતા હોય પરંતુ તેમણે 15 વર્ષના દીકરાની ઉજ્જવળ ભવિષ્યના સપનાં સેવી લીધા છે. તેમનો દીકરો ડૉક્ટર બનવા માગે છે.

જયેશભાઈને ખબર છે કે, દીકરાના ભણતરનો ખર્ચ તેઓ ઉઠાવી નહીં શકે એટલે જ તેમણે કીડની વેચવાનો નિર્ણય કર્યો છે. જો કે, તેઓ દીકરાના ભણતર માટે આ ત્યાગ કરે તે પહેલાં જ આ વાત ફેલાતાં વિવિધ લોકો મદદ માટે આગળ આવ્યા છે. વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં જયેશભાઈનો પરિવાર રહે છે. પરિવારમાં ચાર લોકો છે. તેમના બંને બાળકો દીકરો સાહિલ (15 વર્ષ) અને દીકરી સંજના (13 વર્ષ)ના ભણતર માટે હવે આર્થિક મદદ મળી રહી છે. ધોરણ 10માં સાહિલે 73 ટકા મેળવ્યા જ્યારે સંજનાએ ધોરણ 8માં 91% ટકા મેળવ્યા છે.

આર્ટ્સ ગ્રેજ્યુએટ જયેશ પટેલે ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (ITI)માં કોર્સ પૂરો કર્યા પછી ક્વોલિફાઈડ ઈલેક્ટ્રીશિયન બન્યા. 2009માં એક પછી એક તેમણે બંને આંખો ગુમાવી દેતાં કપરો સમય શરૂ થયો. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જયેશે કહ્યું, “રૂપિયાની ભારે તંગી સર્જાતા બાળકોને ભણાવવા માટે પણ નાણાં પૂરા પાડી શકાશે કે નહિ તેની ખાતરી નહોતી. સાહિલને મેડિકલ લાઈનમાં જવું છે પરંતુ હું તેના ધોરણ 12 સાયન્સનો ભણતરનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી.” જયેશભાઈની પત્ની ખેતરમાં મજૂરી કરીને 120 રૂપિયા રોજના કમાય છે અને મહિનામાં તેમને 20 દિવસ કામ કરવાનું હોય છે.

જયેશ પટેલે કહ્યું, “ટીવી પર એક ક્રાઈમ શોમાં કીડની વેચવાનું સાંભળીને આ વિચાર ઝબૂક્યો. હું બેરોજગાર છું અને મારું શરીર પરિવારના કોઈ કામમાં આવે તેમ નથી. મેં સાંભળ્યું કે કીડની વેચીને 25 લાખ સુધીની કમાણી કરી શકાય છે.” ત્યાર બાદ તેઓ ગામમાં કેટલાંક ઓળખીતા લોકોને મળ્યા અને આ વિશે જાહેરાત આપવાનું નક્કી કર્યું. કીડની વેચવા અંગેની ખબર લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો સહારો પણ લીધો.

ઘણા મદદ કરનારા વ્યક્તિઓ પૈકી નવસારીના ભાજપના સાંસદ સી. આર. પાટીલ સૌથી પહેલા હતા. સાહિલની સ્કૂલ ફી ભરવાની સાથે તેઓ તેને પુસ્તકો, અનાજ અને કપડાં પણ પૂરા પાડશે. સાંસદે કહ્યું, “ચીખલીની ખાનગી શાળામાં બંને બાળકોને એડમિશન મળી જાય તેવા પ્રયાસ કરી રહ્યા છીએ.” વાંસદાથી 37 કિલોમીટરના અંતરે ચીખલીમાં આવેલી AB સ્કૂલના ટ્રસ્ટી નિર્મલ પટેલે કહ્યું, “મેં સંજનાને ફ્રીમાં શિક્ષણ આપવાની ઓફર આપી છે. સ્કૂલ સાહિલને સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફતમાં શિક્ષણ અને માર્ગદર્શન આપશે.” આ અંગે જયેશભાઈ જણાવે છે કે, “બાળકોના શિક્ષણ જે સહકાર મળી રહ્યો છે તે જોઈને હું ભાવવિભોર થઈ ગયો છું. ઘણા લોકો વ્યક્તિગત રીતે આવ્યા અને મારા દીકરાના ભણતર માટે મદદ કરવાની તૈયારી દર્શાવી.”