Editorial Politics

વિશેષ અહેવાલ : 2019ની આ લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ ભાજપના ચાણક્ય સાબિત થશે ખરા?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) :2019ની લોકસભાની ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહી છે. જોકે હાલમાં હવે માત્ર 6 મે ના રોજ છેલ્લા તબક્કાનું મતદાન બાકી રહ્યું છે, ત્યારે આગામી 23મી મેના રોજ પરિણામો પણ આવી જશે અને કોણ બનશે પ્રધાનમંત્રી તે વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ જશે. પરંતુ 2014ની જેમ રણનીતિ ઘડવામાં આ વખતે ક્યાંકને ક્યાંક ભાજપ બેકફૂટ પર રહ્યું છે. એમાંય ખાસ કરીને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ નો જાદુ આ વખતે કદાચ અસરકારક પુરવાર ન પણ થઈ શકે !

કારણ કે અમિત શાહ પોતે જ આ વખતે ગુજરાતમાં ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડ્યા છે, જેને પરિણામે અન્ય જગ્યાએ સભાઓ કરવાને બદલે અમિત શાહે પોતાના વિસ્તારમાં જીતવા માટે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેમણે અન્ય સીટો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પોતે જ જીતવા માટે ગાંધીનગરની સીટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હતું કારણકે આ સીટ ઉપર કેટલાક પાટીદારોનો શાહની સામે સીધો વિરોધ હતો.

કહેવાય છે કે ગાંધીનગર ની સીટ ભાજપ માટે સૌથી સલામત છે. ભૂતકાળમાં આ સીટ પરથી એલ.કે.અડવાણી ચૂંટણી લડતા અને અમિત શાહ તેમને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડતા પણ ખરા. પરંતુ જ્યારે શાહ ખુદ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમણે જંગી બહુમતીથી જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે કારણકે શાહની સામે ચોક્કસ વર્ગનો જોરદાર વિરોધ રહ્યો છે. વળી કોંગ્રેસે પણ અહીંયા સી.જે. ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે જેથી શાહ માટે ગાંધીનગર ની સીટ કપરા ચઢાણ સાબિત થઈ છે.

 

2014માં અમિત શાહની રણનીતિના નેતૃત્વમાં ભાજપ જંગી બહુમતીથી જીત્યું હતું ત્યારે આ વખતે ઉત્તર પ્રદેશ સહિતની કેટલીક સીટો ઉપર ભાજપની જીત કેટલી સફળ થશે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ સાથે-સાથે આ પરિણામોથી એ પણ સાબિત થઇ જશે કે અમિત શાહ ભાજપના ચાણક્ય રહ્યા છે કે નહીં. જોકે ભાજપ દ્વારા આ ચૂંટણીમાં કોઇ ખાસ મુદ્દો ચલાવાયો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી ચૂંટણી ‘ચોકીદાર’ ના મુદ્દા પર ચલાવી છે. જો કે મોદીની લોકપ્રિયતા દેશમાં અકબંધ છે, મોટાભાગનો શિક્ષિત અને યુવા વર્ગ એ મોદીજીની સાથે છે. ત્યારે ભાજપની જીત તો નિશ્ચિત મનાઇ રહી છે પરંતુ એ જીત અમિત શાહની ચાણક્ય નીતિ ના જાદુ ને કારણે નહીં પરંતુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે હશે એવું રાજકીય વિદ્વાનો માની રહ્યા છે.