વિશેષ અહેવાલ : મંત્રીમંડળ ઉપર પણ ચાલશે ‘પાટીલ પાવર’ : કમલમ્ માં બેસવા બાદ હવે મંત્રીઓને મળી શકે છે નવો આદેશ !

0
1360

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ તેમણે મંત્રીમંડળ પર અંકુશ જમાવવાનું શરૂ કરી દીધું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી કાર્યકરો દ્વારા એવી ફરિયાદ મળી રહી હતી કે જેમણે પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ એક કર્યા છે એવા કાર્યકરોના કામ પણ મંત્રીઓ દ્વારા કરવામાં આવતા નથી જેને લઇ સીઆર પાટીલે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ બે બે મંત્રીઓને કમલમ બેસવાનો આદેશ કર્યો હતો.

જો કે સી આર પાટીલ ના નિર્ણયથી મીડિયા અને સોશિયલ મીડિયામાં એવી વાતો પણ વહેતી થઈ હતી કે હવે સરકાર સચિવાલય માંથી નહીં પરંતુ કમલમમાં થી ચાલશે પરંતુ હકીકત એ છે કે ભાજપનો કાર્યકર કે સામાન્ય વ્યક્તિને સચિવાલયમાં મંત્રી સુધી પહોંચતાં ફાંફા પડી જાય છે ત્યારે કમલમમાં કોઈપણ વ્યક્તિ સરળતાથી આવીને મંત્રીને પોતાની રજૂઆતો કરી શકે છે એથી વધારે સારી વાત એ છે કે જો કોઈ મંત્રી કાયદેસરનું કામ હોય અને એ કરવાની આનાકાની કરે તો હવે કાર્યકર કે સામાન્ય વ્યક્તિ પ્રદેશ પ્રમુખને પણ સીધી રજૂઆત કરી શકે છે. જો કે સી આર પાટીલ ના આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છે.

મંત્રીમંડળમાં ફેરફાર થવાની સોશિયલ મીડિયામાં ચર્ચા…

તો હવે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ એ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે કે આગામી ટૂંક સમયમાં રૂપાણી સરકાર ના મંત્રી મંડળમાં મોટા ફેરફારો થઇ શકે છે, જેમાં કેટલાક કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના મંત્રીઓ કે જેઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ નિષ્ક્રિય છે અથવા તો તેમને સોંપેલ ખાતામાં તેમની વહીવટીય પકડ ગુમાવી ચુક્યા છે એવા મંત્રીઓની મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો વળી એવું પણ જાણવા મળ્યું છે કે જે મંત્રીઓ સિનિયર છે અને વારંવાર બીમારીનો ભોગ બની રહ્યા છે અને તેઓ સચિવાલય આવવાને બદલે ઘરે બેઠા ઓનલાઇન લોકોની ફરિયાદો સાંભળતા થયા છે એવા મંત્રીઓની પણ હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

કયા અને કેવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન?..

સોશિયલ મીડિયાની આ ચર્ચાઓ મુજબ જો ખરેખર મંત્રીમંડળમાં ફેરફાર થશે તો એક વાત નિશ્ચિત છે કે નવા મંત્રીમંડળમાં ખૂબ જ સક્રિય હોય અને કાર્યકરોને તેમજ આમ જનતાના પ્રશ્નોને સાંભળીને તેનું સમાધાન લાવી શકે ઉપરાંત વહીવટીય પકડ મજબૂત રાખી શકે તેવા તેમજ ખૂબ જ સારી રીતે શિક્ષિત હોય તેવા ધારાસભ્યોને જ મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. જોકે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગની વહીવટીય પકડ ને લઈને સરકાર ટીકાનો ભોગ બની રહી છે. ખાનગી શાળા સંચાલકો સામે શિક્ષણ વિભાગ ઘૂંટણિયે પડ્યું છે ત્યારે શિક્ષણ વિભાગનો હવાલો સંભાળતા મંત્રીઓની બાદબાકી થાય તો નવાઇ નહીં તો વળી મહેસુલ વિભાગમાં પણ હવે મંત્રીજી સચિવાલય આવવાને બદલે ઘરે બેસીને ઓનલાઇન ફરીયાદો સાંભળી રહ્યા છે ત્યારે હવે નવા મંત્રીમંડળમાં તેમને પણ સ્થાન મળશે કે કેમ એ અનિશ્ચિતતા છે જો ખરેખર સોશિયલ મીડિયાની ચર્ચા પ્રમાણે મંત્રીમંડળ બદલાય તો વહીવટી કુશળતા ધરાવતા અને શિક્ષિત ધારાસભ્યોને મંત્રી બનાવાય તો લોકોની સમસ્યાઓ સરળતાથી હલ થઈ શકે છે.

કોને મંત્રી બનાવવા તેને લઈને ખાનગી રાહે સર્વે ?..

બીજી બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં જે ધારાસભ્ય વધારે શિક્ષિત છે અને સક્રિય છે એવા ધારાસભ્યોને કેબિનેટ કક્ષા માં પણ મંત્રી પદ મળી શકે છે. જોકે પ્રદેશની નેતાગીરી દ્વારા ખાનગી રાહે આ બાબતે સર્વે ચાલી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે એમ કહેવાય છે કે આગામી મંત્રીમંડળમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને પ્રતિનિધિત્વ મળી શકે છે.વળી કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે પણ હવે આગામી સમયમાં ધારાસભ્યો અને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે.   

કમલમ ની જેમ જુદા જુદા જિલ્લાઓના પ્રવાસનું મંત્રીઓને મળી શકે ફરમાન…

તો વળી આગામી સમયમાં લોકોને પોતાની મુશ્કેલીઓ લઈને ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે મંત્રીઓને અઠવાડિયામાં એક વખત જુદા જુદા જિલ્લામાં પણ મોકલવામાં આવી શકે છે. જે રીતે કમલમ માં બેસીને મંત્રીઓ લોકોની ફરિયાદો સાંભળે છે તે જ રીતે જુદા જુદા જિલ્લાઓમાં જઈને પણ લોકોની ફરિયાદો સાંભળે અને લોકો સાથે એમનો સંપર્ક વધે તે માટે સી.આર.પાટીલ આ પગલું ભરી શકે છે. જો ખરેખર સી.આર.પાટીલ દ્વારા મંત્રીઓને દર અઠવાડિયે જુદા જુદા જિલ્લાઓમાં લોકોની ફરિયાદો સાંભળવા માટે મોકલવાનું પગલું ભરવામાં આવે તો લોકોને પોતાની સમસ્યા લઈને ગાંધીનગર સુધી ન જવું પડે તેમજ લોકોમાં સરકાર પ્રત્યે એક હકારાત્મક અભિગમ ઉપસી શકે છે.