Gujarat

સુરત અગ્નિકાંડના મૃતકોને ન્યાય ના મળતાં યોજાઈ અસ્થિ યાત્રા, લોકોએ અશ્રુભિની પુષ્પાંજલિ આપી, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સુરત સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.

અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપનનો કાર્યક્રમ યોજાયો. અસ્થિયાત્રામાં દરેક મૃતકનો રથ અને તેમના નામનું પ્લેકાર્ડમાં સ્લોગન સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી અસ્થિયાત્રા યોજવામાં આવી છે.

વાલીઓએ માંગ કરી હતી કે, હજુ જવાબદાર સામે કોઈ જ પગલાં લેવાયા નથી. તેમની અટકાયત નથી કરાઈ તથા તેમને જેલના સળીયા પાછળ ધકેલવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જેથી લોકોને અપીલ કરાશે કે આ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે.SMC, DGVCLઅને ફાયરબ્રિગેડના ઉચ્ચઅધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.