BreakingNews FIRE Accident Gujarat

સુરત અગ્નિકાંડ મામલે થયો સૌથી મોટો ખુલાસો, 23 માસુમોના હત્યારાઓ છે કોણ ? જાણો સમગ્ર હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાથી ટેવાયેલ પાલિકા કમિશનર એમ.થેન્નારસન સહિતના તમામ વિભાગના વડાઓ, ઝોનના અધિકારીઓ સાથે ચીફ સેક્રેટરી મુકેશ પુરીએ તપાસ માટે બેઠક યોજી હતી.જેમાં પાલિકાના ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો.જો કે આ બેઠકમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર કિર્તિ મોઢને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો.તો બીજી બાજુ આ ઘટનામાં મુખ્ય જવાબદાર જે તે સમયના વરાછા ઝોનના ઝોનલ ચીફ, ઝોનલ અધિકારી, શહેર વિકાસ ખાતાના અધિકારીને સિફતપૂર્વક બચાવવાનો કારસો રચાયો હતો.

દુર્ઘટના સમયની તસ્વીર

મીડિયા અહેવાલો મુજબ, 2005માં સરથાણા સુડામાં હતુ ત્યારે જ ગ્રાઉન્ડ અને ઍક માળનું ગેરકાયદે બાંધકામ થયું હતું. 2006માં સરથાણા પાલિકામાં શામેલ કરાયું હતું. 2010માં બિલ્ડર બેફામ બનતા બીજો અને ત્રીજો માળ પણ ગેરકાયદે તાણી દેવાયો હોવા છતાં પાલિકાના લાંચીયા અધિકારીઓને તે દેખાયું જ નહી.2011માં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે રાજ્ય સરકારે ઇમ્પેકટ ફીનો કાયદો અમલમાં લાવતા. આરોપી બિલ્ડરોએ બમણું ભાડું મેળવવાની પેરવી માં 2012માં બાંધકામ કાયદેસર કરવા અરજી કરી હતી. 2013 માં ઇમ્પેકટ ફી ભરી કાયદેસર કરાવ્યું હતું. 2015માં બિલ્ડરને સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઇઝેશન (સીઓઆર) આપવામાં આવ્યું.આમ, ઇમ્પેક્ટ-ફીના કાયદા હેઠળ ડોમ સાથેનું ગેરકાયદે બાંધકામ મંજૂર કરાયું હતું. જોકે, ત્રીજા માળનો અંદરનો પાર્ટ જોતાં તેમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે. એક માળને બે માળમાં પરિવર્તિત કરી દેવાયા હતા.

દુર્ઘટના પછી ની તસ્વીર

જો કે અહી કોચિંગ ક્લાસ છેલ્લાં છ વર્ષથી ગેરકાયદે ધમધમતુ હતુ. ચોથો માળ ગેરકાયદે હતો અને પતરાંનો શેડ ઊભો કરી દેવાયો હતો. રોજ કુલ પાંચથી વધુ બેચ હતા. દરેક બેચમાં 30 વિદ્યાર્થીઓ બેસતા હતા. કોચિંગ સંચાલકે ચોથા માળે આડેધડ પાર્ટિશન કરીને 4થી 5 ક્લાસ ઊભા કર્યા હતા. હોનારત સમયે મુખ્ય ગેટનો માર્ગ બ્લોક થઈ ગયો હતો. ફાયર સેફ્ટિની સુવિધા નહતી.અધિકારીઓ છ વર્ષ સુધી ઊંઘતા રહ્યા. 2005 થી લઇ 2011 સુધી ગેરકાયદે બાંધકામ છેક ચોથા માળ સુધી પહોંચી ગયું હોવાં છતાં પણ એકેય અધિકારીએ આ ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝિંક્યા નહીં.

જો કે  રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પાલિકા કમિશનર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.જે તે સમયે તક્ષશીલા આર્કેડને મંજૂરી આપવા ભૂંડી ભૂમિકા ભજવાઇ હતી, ત્યારે ઝોનલ વડા પી.એસ.ઝાલા, કેતન પટેલ, જે.કે.શાહ, અરૂણ ખાટીવાલા, જતીન દેસાઇ, એમ.ડી.દારૂવાલા, પી.ડી.મુન્શી, દેવેશ ગોહિલ, જયેશ સોલંકી, ડી.સી.ભગાવકર, આર.વી.ગામીતે એ સમયમાં પોતાની ફરજ નિભાવી હતી.તો બીજી બાજુ ફાયરે છેલ્લાં 14 વર્ષ સુધી આ બિલ્ડિંગની ફાયર સેફ્ટી જ ચેક નહી કરી. ઓર્ચિડ, લેન્ડમાર્ક અને આગમની ઘટના બાદ પણ અહીંયા સરવે કરાયો નહીં. ફાયરે 15 મિટર ઊંચી ઇમારતોને નોટિસનુ નાટક કરીને બેસી રહ્યુ, આ બિલ્ડિંગ 15 મિટર કરતાં ઉંચી હોવાથી તેમા સરવે કરાયો નહીં. પણ હવે 23 જેટલા બાળકોની હત્યા બાદ મ્યુનિસિપલ કમિશનરને જાણે ડહાપણ ની દાઢ ફૂટી હોય એમ કહ્યું, ડોમ ગેરકાયદેસર છે.

સમગ્ર ઘટનાની તપાસ રાજ્યના ચીફ સેક્રેટરી મુકેશ પુરીને સોંપાઈ હોઈ તેઓ શનિવારે સુરત આવી પહોંચ્યા હતા. તેઓએ સ્થળ-નિરીક્ષણ કર્યા બાદ સર્કિટ હાઉસ ખાતે તાકીદની બેઠક બોલાવી હતી. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ડીજીવીસીએલ, ડીઇઓ સાથેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ડીજીવીસીએલ, ટ્યૂશન ક્લાસિસ વિશે ચર્ચા કરી તમામ અધિકારીઓનાં મંતવ્યો મેળવ્યાં હતાં.મ્યુ.કમિશનર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, આગમ આર્કેડની ઘટના બાદ તમામ કમર્શિયલ બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવા સૂચના અપાઈ હતી. જેમાં તક્ષશિલા આર્કેડનો સર્વે કરાયો જ ન હતો. જે ગંભીર બેદરકારી સામે આવતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. કે. આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢને સસ્પેન્ડ કરી દેવાયા છે.

About the author

Editor