સુરત : SMC એ નિયમોના નામે લોકોને દંડવાનું શરૂ કર્યું : 1 દિવસમાં 1.6 લાખ દંડ વસૂલ્યો

0
1072

સુરતમાં ખખડધજ રોડ-રસ્તાઓ રીપેર કરવાનું મહાનગરપાલિકાને સમજાતું નથી.

લોકો ખખડધજ રોડ-રસ્તાઓ થી ત્રસ્ત છે જ્યારે એસ.એમ.સી લોકોના ખિસ્સા ખંખેરવાનો માં મસ્ત છે

મોર્નિંગ ન્યૂઝ ફોકસ,સુરત :   કોરોના વાયરસની મહામારી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે. જેમાં અનલોક દરમિયાન હીરાના કારખાના સહિત ઘણાખરા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ધંધાની શરૂઆત કરી દીધી છે. એક તરફ કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો ધંધા રોજગાર વિના બેકારીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ધંધા-રોજગાર શરૂ કરતાં સુરત મહાનગર પાલિકા તંત્રએ લોકોને એનકેન પ્રકારે હેરાન કરવાનું શરૂ કરી દીધું છે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવવા ના નવા નવા કિમિયા શોધી રહ્યું છે. લોકોના ખિસ્સા ખાલી કરવા એસઓપીના નિયમના ઉલ્લંઘનના નામે શરૂ થયેલા ધંધા રોજગારના શટર પાડી દેવાની મનપાની નીતિથી લોકોમાં રોષ ભભૂકયો છે.

સોમવારે મનપા દ્વારા સંપૂર્ણ સપાટો પાડી દેવામાં આવ્યો હતો. જેમાં 7 પાનના ગલ્લા, 2607 કરિયાણાની દુકાનો સહિતની અન્ય દુકાનો,1601 શાકભાજીની લારીઓ ઉપરાંત 663 પાથરણાવાળાઓએ એસઓપીના નિયમનું ઉલ્લંઘન કરતા કુલ 3000 જેટલી દુકાનોને બંધ કરાવી દેવામાં આવી હતી.

જ્યારે કતારગામ વિસ્તારમાં આવેલ બંબાવાડી નજીક શ્વેત જેન્સ હીરાના કારખાનામાં કારીગરોના કોરોના વાયરસના ટેસ્ટની વિગતો નહીં રાખતા પાંચ હજારનો દંડ કરાયો હતો. જ્યારે પ્રમુખ જેમ્સ હીરાના કારખાનામાં માસ્કનો ઉપયોગ નહીં કરતા આઠ હજારનો દંડ કરાયો હતો. 110 લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા 47,000નો દંડ,100 લોકોને માસ્ક નહીં પહેરતા 44,300નો દંડ, 4 લોકોને સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ નહીં કરતા 2000નો દંડ, ત્રણ લોકોને થુંકવા માટે 600નો દંડ. આમ કુલ મળીને 217 નાગરિકો પાસેથી 93,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જયારે મનપા દ્વારા સોમવારે દિવસ દરમિયાન કુલ મળીને 1.6 લાખનો દંડ વસૂલાયો હતો.