Editorial Gujarat Politics

સુરત : SMC નું વહીવટી તંત્ર ખાડે ગયું : ડિસ્કો રોડ થી ચાલકો પરેશાન

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : સુરત માં  SMC દ્રારા શહેરમાં દર વર્ષે રૃ. ૨૬૦ કરોડના ખર્ચે ડામરના રસ્તા બનાવવામાં આવે છે. વરસાદ પડવાના એક જ મહિના માં શહેરના મોટા ભાગના વિસ્તારમાં ડામરના રસ્તા ધોવાઇ ગયા છે. પાલિકાના ભાજપ શાસકોના માનીતા ઇજારદારો દ્વારા રસ્તાના કામોમાં વેઠ ઉતારવામાં આવે છે. રસ્તાનાં કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારને કારણે રસ્તા ધોવાઇ જતા શહેરીજનો હેરાન થઇ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રૃ. ૧૫૦થી રૃ. ૧૬૦ કરોડનો ડામર ખરીદવામાં આવે છે.

રસ્તા કાર્પેટ-રિકાર્પેટ પાછળ પાલિકા દ્વારા દર વર્ષે રૃ. ૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે દિવાળી બાદ રસ્તા કાર્પેટ- રિકાર્પેટના કામો હાથ પર લેવાય છે, પરંતુ પહેલા જ વરસાદમાં નવા રસ્તા ધોવાઇ જાય છે. અગાઉ રસ્તાના કામોની ગેરન્ટી ત્રણ વર્ષની હતી. હવે પાંચ વર્ષની ગેરન્ટી સાથે ઇજારદારને રસ્તાના કામો સોંપવામાં આવે છે.

પરંતુ રસ્તા ધોવાઇ ગયા બાદ તેની પર થિંગડા લગાવી ગેરન્ટી પીરિયડ પૂરો કરવામાં આવે છે. ભાજપ શાસકોના મેળાપીપણામાં રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. ઇજારદારો દ્વારા ડામર ચોરી, મટિરિયલ ચોરી, કામગીરીમાં વેઠને કારણે ત્રણથી પાંચ વર્ષની ગેરન્ટીવાળા રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયા છે.ત્યારે રસ્તાના મુદ્દે બુધવારે મળનારી પાલિકાની સામાન્ય સભા ભારે તોફાની બનવાની સંભાવના છે.