સુરત : કોવિડ કેર આઇસોલેશન સેન્ટર કે ચમત્કારિક દવાખાનું ? દર્દી બનીને આવનાર સ્વયંસેવક બની સેવા કરે છે !

સુરત : કોવિડ કેર આઇસોલેશન સેન્ટર કે ચમત્કારિક દવાખાનું ? દર્દી બનીને આવનાર સ્વયંસેવક બની સેવા કરે છે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) :  સ્વામી વિવેકાનંદના 'જનસેવા એ જ પ્રભુસેવા' ના સૂત્ર ને સુરતીઓ સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. દાનવીર કર્ણ ની ભૂમિ સુરત પર જ્યારે જ્યારે કુદરતી કે કુત્રિમ આપદાઓ આવી છે ત્યારે ત્યારે સુરતીઓ મન મૂકીને સેવાકાર્ય માટે આગળ આવ્યા છે. કુદરતી કે કુત્રિમ આપદા ને અવસર માં પલટવાનું તો સૌ કોઈ સુરતીઓ પાસેથી જ શીખે. હાલમાં કોરોનાની મહામારી જેવી આપદા ના સમયે સુરતીઓએ જે સેવાયજ્ઞ શરૂ કર્યો છે, એની સુવાસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના દરેકે દરેક ખૂણામાં પહોંચી છે.

સુરતમાં કોરોના કહેર ને કારણે લોકો કોરોના નો શિકાર થઇ રહ્યા હતા ત્યારે સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં વર્તમાન સરકાર પાંગળી પુરવાર થતા સુરતીઓએ કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઠેર ઠેર કોવિડ કેર isolation સેન્ટર શરૂ કર્યા. સુરતની સામાજિક રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ આ માટે આગળ આવી અને અનેક વિસ્તારોમાં ઓક્સિજન સુવિધાયુક્ત કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા. જેથી સુરતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ને સૌથી મોટી રાહત મળી અને દર્દીઓનો રિકવરી રેટ ખૂબ જ વધ્યો છે.

સુરતના સુદામા ચોક પાસે આવું જ એક કોવિડ કેર આઈસોલેશન સેન્ટર હાલમાં કાર્યરત છે. જ્યાં દર્દીઓની પોતાના સ્વજનની માફક સેવા કરવામાં આવી રહી છે. આ covid કેર આઇસોલેશન સેન્ટરમાં ચાલતી સેવાને જોઈને તમને સેવાયજ્ઞ ની મસિહા ગણાતી મધર ટેરેસા ની યાદ આવી જાય તો નવાઈ નહીં ! દર્દીઓને સારવારની સાથે સાથે અપાતી પ્રેમ અને હૂંફ ને લીધે ઝડપથી દર્દીઓ સાજા થઈને પોતાના સ્વજનોની વચ્ચે પાછા ફરે છે. પરંતુ એક વાત નોંધવી રહી કે અહીં સારવાર લઈ રહેલ દર્દીઓને સાજા થયા પછી પણ પોતાના ઘરે જવાનું મન થતું નથી કારણકે અહીંના ડોક્ટરો, નર્સ અને સેવા કાર્યમાં જોડાયેલા અનેક વોલાન્ટિયર્સ દ્વારા દર્દીઓને એટલો બધો પ્રેમ આપવામાં આવે છે કે આ કોવિડ કેર સેન્ટર જ તેમને પોતાના ઘર જેવું લાગે છે. અને સારવાર આપી રહેલા ડોક્ટર, નર્સ અને volunteers  તેમને તેમના સ્વજન હોવાનો અહેસાસ કરાવે છે.

જો કે સુદામા ચોક પાસેના આ કોવીડ આઇસોલેશન સેન્ટરમાં દિવસમાં બે વાર  પાવર જતો રહેતા રોજ સ્વંમસેવકો દ્વારા પવન નાખીને દર્દીઓને હુંફ પુરી પાડવામા આવે છે. અહી ૪૦ દર્દીઓ દાખલ છે જેમાથી ૨૨ જેટલા સૌરાષ્ટ થી સુરત આવી દાખલ થયેલા છે. અને દિવસમાં ત્રણ વખત ડોક્ટર દર્દીઓની વિઝીટ માટે આવે છે. દર્દીઓને બે ટાઈમ ચા-નાસ્તો અને પોષણ યુક્ત આહાર આપવામાં આવે છે.90 થી વધારે દર્દીઓ અહીંથી સાજા થઈને પોતાના સ્વજનો વચ્ચે પાછા ફર્યા છે.

આ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં સ્વયંસેવકો સતત 12 થી 18 કલાક નિઃસ્વાર્થ સેવા આપે છે.કેટલાક એવા દર્દીઓ પણ અહીં આવે છે જેમના કોઈ સ્વજન નથી હોતા એવા દર્દીઓને અહીં આવ્યા બાદ સ્વજનની ખોટ સાલતી નથી. અહીં સેવા આપતા કોરોના વોલાન્ટિયર્સ ની કામગીરી ખરેખર ખૂબ જ પ્રસંશનીય છે. અહીંના આ કોવિડ કેર સેન્ટરનું વાતાવરણ એક મંદિરથી ઓછું નથી.  દર્દીઓ ભક્તિમય  બનીને નવી શક્તિ અને સામર્થ્યતા પ્રાપ્ત કરી ઝડપથી સાજા થઈ જાય છે.સલામ છે આ કોરોના યોદ્ધાઓ, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓને.