Editorial Gujarat Personality Politics

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને સુરતની મહિલાએ ખુલ્લો પત્ર લખી કર્યો ચોંકાવનારો ખુલાસો

મો.ન્યુ.ફો.નેટવર્ક : કેન્દ્ર ની મોદી સરકારના નોટ બંધી અને GST જેવા તઘલખી નિર્ણયો ને કારણે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં છેલ્લા એક વર્ષમાં ટેક્સટાઇલ સાથે સંકળાયેલી 5 લાખ મહિલાઓ પાસે 60 ટકા સુધી કામ ઘટ્યું છે ત્યારે  GST ના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવેલી મંદી પછી હેરાન થઇ રહેલી મહિલાઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીને લખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,આજે શનિવારે યાર્ન એક્સપોનો પ્રારંભ કરાવવા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરત આવી રહેલા છે.

 

જો કે 2008ની ડાયમંડની મંદી પછી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘરની મહિલાઓ એમ્બ્રોઇડરી ઉદ્યોગ તરફ વળી હતી. કુલ 5 લાખ મહિલાઓ એમ્બ્રોઇડરીમાં હતી. તેમાંથી 50 ટકા વધુ મહિલાઓ પાસે કામ નથી. મશીનો પણ 50 ટકા જેટલા બંધ છે.

સુરતના કૈલાસબેન મુકેશભાઇ કાછડીયા દ્રારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ને લખેલ પત્ર નીચે મુજબ છે.

સ્મૃતિબેન ઈરાની

સવિનય સાથે જણાવવાનું કે, એક મહિલા તરીકેની મારી લાગણી આપના સુધી પહોંચાડવાની છે કે સુરત એક કાપડ ઉદ્યોગનું મથક ગણાય છે. કાપડના વેપાર ઉદ્યોગની સાથે કાપડની અંદર લાખોની સંખ્યામાં બહેનો હેન્ડવર્ક અથવા મશીનવર્ક કરી પોતાના પરિવારમાં મદદરૂપ થતી હતી.

એક વર્ષ પહેલાં અમારી સાથે 20 જેટલી મહિલાઓ સંકળાઇને માસિક 10 થી 15 હજારની આવક મેળવતાં હતા. અમારું ટર્ન ઓવર પ્રમાણે 50 હજાર જેવો હાથ ખર્ચ નીકળી જતો હતો. હવે માત્ર 3 થી 4 બહેનોને 1000 થી 1500 રૂ.ની આવક મેળવીને કામ ચલાવે છે. હાલ અમે જ્યા રહીએ છીએ ત્યાં નીચેના ગાળાને પહેલા ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. આજે ગણતરીનો જ માલ અમને મળતો હોવાથી માત્ર 20 હજાર સુધીનું જ કામ માસિક ધોરણે થઇ શકે છે.