Editorial Gujarat Personality Politics

ગુજરાતના આ કમિશ્નર હાથમાં ઝાડુ લઈ વિદ્યાર્થીઓ સાથે સફાઇ કરવા માટે રસ્તા પર ઉતર્યા, 3 ટન કચરો એકત્ર કર્યો

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM મોદી એ ઓક્ટોબર 2019 માં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવવાની જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ સહિત ગુજરાતનું એક પણ શહેર સ્વચ્છતાના રેન્કિંગમાં ટોપ 10મા નથી.ત્યારે રવિવારે આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ સાથે અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નહેરા પણ ઝાડુ લઈને સડકો પર ઉતર્યા અને કચરો સાફ કર્યો હતો.

મળતી માહીતી મુજબ, અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નહેરા, ગાંધીનગર આઈઆઈટીના 187 વિદ્યાર્થીઓ તથા ડાયરેકટર સુધીર જૈન દ્વારા કોટ વિસ્તારના લાલ દરવાજા, સીદી સૈયદની જાળી, વિજળી ઘર, ભદ્રનો કિલ્લો અને જે.પી.ચોક ખાતે સવારે બે કલાક સફાઈ કરી હતી. વિદ્યાર્થીઓએ ઝાડુ લગાવી શ્રમદાન કર્યું હતુ અને 3 ટન કચરો એકઠો કર્યો હતો જેમાં ખુદ કમિશનર નહેરાએ બે કિલોમીટર સુધી ચાલીને શ્રમદાન કર્યું હતું. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુ કે, મને ગર્વ છે કે, દેશભરમાંથી અભ્યાસ માટે આવેલા આ વિદ્યાર્થીઓ માત્ર ફોટો પડાવવા સફાઈ કરી ન હતી પણ ખરા અર્થમાં સફાઈ કરી હતી. જે વિસ્તારમાં વિદ્યાર્થીઓએ સફાઈ કરી ત્યાં સફાઈ કામદારોને પણ બોલાવાયા ન હતા.સ્વચ્છતા એટલા માટે પણ જરૂરી છે કારણ કે વરસાદમાં ગંદકીને લીધે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. ગત વર્ષે આપણે ડેન્ગ્યૂ, મેલેરિયાનો પ્રકોપ અનુભવી ચૂક્યા છીએ. આપણો એક પ્રયાસ સ્વચ્છતાની સાથેસાથે બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરશે.

AMC કમિશ્નર વિજય નહેરા ની કામગીરી ને બિરદાવતા મોર્નિંગ ન્યુઝ ફોક્સ મુખ્યમંત્રી, મેયર, કલેક્ટર, તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોની સાથે સાથે અગ્રણી સંસ્થાઓ, સ્કૂલ-કોલેજોને અપીલ કરે છે કે સ્વચ્છતા માટે દર રવિવારે તમે વારાફરતી સડકો પર ઉતરો. તમને સફાઈ કરતા જોઈને સામાન્ય માણસો પણ તેમાંથી પ્રેરણા લેશે. સ્વચ્છતા માટે પ્રત્યેક રવિવારે તમારી 60 મિનિટ શહેરની તસવીર બદલી શકે છે.આપ સૌની ભાગીદારી જ પૂજ્ય બાપુ નું સ્વપ્ન સાકાર કરી શકશે અને 2019 માં બાપુ ની 150 મી જન્મ જયન્તિ ઉજવવાનું ગૌરવ લઈ શકીશું.