Exclusive : ભાજપને 8 બેઠકો પર મળેલી જીતનો શ્રેય રૂપાણી કે પાટીલને નહિ પણ આ નેતાઓને મળવો જોઈએ, જાણો કારણ

0
1495

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : તાજેતરમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીઓ નું પરિણામ આવતાની સાથે કોંગ્રેસમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો રાજકીય માહોલ સર્જાયો. કારણકે આઠમાંથી એક પણ બેઠક ઉપર કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શકયો નથી. સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે આઠે સીટો ઉપર કોંગ્રેસ માટે જીતવું ખૂબ જ આસાન હતું છતાં પણ કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ અને ભાજપ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા અનેક પ્રશ્ને ઘેરાયેલું હોવા છતાં કાળા ધનના કોથળા ખુલ્લા મુકી ને ધારાસભ્યોની ખરીદી કર્યા બાદ પણ મતદાતાઓ સાથે દ્રોહ કરનારા ઉમેદવારોને પુનઃ ચૂંટણીમાં ઝંપલાવી જીતાડવામાં સફળ થયું ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપની જીત નો સૌથી મોટો શ્રેય કોનો ?

જોકે આઠે આઠ સીટો ઉપર ભાજપનો વિજય થતાં ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને આ સફળતાનો યશ વિજય રૂપાણી અને સી.આર. પાટીલ ને મળ્યો. પરંતુ ખરેખર ભાજપની આઠ સીટ પર થયેલી જીતનો શ્રેય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીને મળવો જોઈએ કારણ કે આ ત્રણેય નેતાઓની બેદરકારી અને આયોજન વિનાની વ્યૂહ રચના તેમજ એકબીજાને નીચા પાડી મોટા થવાની લાલસાએ ભાજપને જીતાડી છે. ૮ સીટોની પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાણે હારવાની સોપારી લીધી હોય તે રીતે પ્રચાર કાર્ય કર્યુ હતું.

બીજી બાજુ ભાજપે ધારાસભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવડાવી, ભાજપના ખેસ પહેરાવી લોકોમાં એક એવી માનસિકતા ઉભી કરી દીધી છે કે કોંગ્રેસના કેટલાક સ્વાર્થી ધારાસભ્યો પોતાની લાલસાને ભોગે કાંઈ પણ કરી શકે છે, મતદારો સાથે દ્રોહ પણ કરી શકે છે. એટલે કે કોંગ્રેસના સ્વાર્થી ધારાસભ્યો લાલ બત્તીવાળી ગાડીમાં ફરવા કે પછી પોતાના રાજકીય રોટલા શેકવાના હેતુઓથી ગમે તે કરી શકે છે. મતદારોમાં ઉભી થયેલી આ માનસિકતાને પરિણામે મતદારોએ પણ વિચાર્યું હશે કે જો ફરીથી કોંગ્રેસને જીતાડીશું તો પાછા ફરીથી આ જીતેલા ઉમેદવારો ગમે તે લાલસાને ભોગે રાજીનામા આપીને ભાજપના ખેસ ધારણ કરી શકે છે એનાથી ઉત્તમ એ છે કે ભાજપને જ જીતાડવામાં આવે તો પછી આ ખરીદ-વેચાણ નો પ્રશ્ન ભવિષ્યમાં બને નહિ અને વિસ્તારનો વિકાસ પણ થાય.

કોંગ્રેસે હવે જો ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સૌ પ્રથમ તો મતદારોના માનસમાં જે છાપ ઊભી થઈ છે કે કોંગ્રેસના સ્વાર્થી ધારાસભ્યો ગમે તે લાલચે ખરીદાઇ જાય છે. મતદારો સાથે દ્રોહ કરે છે એ માનસિકતાને બદલવી પડશે અને એ માનસિકતા બદલવા માટે કોંગ્રેસે ધરખમ ફેરફારો કરવાની જરૂર છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી જેવા નેતાઓ કોંગ્રેસને કેટલા વફાદાર છે એ પણ કોંગ્રેસે ચકાસવાની જરૂર છે. તેમજ હાર્દિક પટેલ કોંગ્રેસ ને કેવી રીતે મજબૂત બનાવી શકે એ માટે પણ કોંગ્રેસે વિચારવાની જરૂર છે અને ગુજરાતની સંપૂર્ણ સત્તા કોઈ એક સક્ષમ નેતા ને આપવાની જરૂર છે કે જેથી ભાજપ જેવી શિસ્ત કોંગ્રેસમાં પણ લાવી શકાય. હાર્દિક પટેલ કોંગ્રેસ માટે ભવિષ્યમાં ઘણો બધો લાભદાયી સાબિત થઇ શકે છે.કોંગ્રેસને મજબુત પણ કરી શકે છે પરંતુ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ હાર્દિક પટેલ ના ટાંટિયા ખેંચવા ઈચ્છતા હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે સંપૂર્ણ સત્તા કોને આપવી એ વિચારવું રહ્યું !