Editorial Gujarat Politics

…..તો લોકસભા અને પેટા વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારની વિદાય નિશ્ચિત હશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રૂપાણી સરકારના શાસનમાં ગુજરાત રાજકીય સ્થિતી ડામાડોળ બની ગઈ છે તેની પાછળ માત્ર અને માત્ર રૂપાણી સરકાર જ જવાબદાર હોવાનું મનાય છે કારણ કે વહીવટમાં નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારે પોતાની સરકાર બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂઆત કરી હતી જેમાં સામ દામ દંડ અને ભેદ નીતિ અપનાવી ધારાસભ્યને તોડવામાં રૂપાણી સરકારે જોર લગાવ્યું હતું જેને પરિણામે ગુજરાતની રાજકીય સ્થિતિ કથળી હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-99, કોંગ્રેસ-77, એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. જેના પરથી એક વાત સ્પષ્ટ હતી કે ગુજરાતમાં ભાજપ સરકારને પ્રજાએ જાકારો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે રૂપાણી સરકાર ની ખુરશી જોખમમાં હતી જેને લઇને તેને ટકાવી રાખવા માટે રૂપાણી સરકારે કોંગ્રેસના ધારાસભ્ય તોડવાની શરૂઆત કરી હતી.જાન્યુઆરી 2018માં રચાયેલી રૂપાણી સરકારના માત્ર 16 મહિનામાં જ 10 ધારાસભ્યની ઉથલ પાથલ થઈ છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખેડવવાની શરૂઆત કરી હતી. જેમાં સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાવળિયા બાદ અન્ય ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. આ પહેલા 2 ફેબ્રુઆરીના રોજ ડૉ.આશા પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ 8 માર્ચે જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને 11 માર્ચે વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

બીજી બાજુ એવું માનવામાં આવી રહ્યુ છે કે,ગુજરાત વિધાનસભા વર્ષોથી અપશુકનિયાળ ગણાય છે કારણ કે, અત્યાર સુધીના વિધાનસભાના ઈતિહાસમાં કુલ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ સતત પાંચ વર્ષ સુધી જળવાયું નથી. જેમાં 2017માં યોજાયેલી ચૂંટણી બાદ રચાયેલી 14મી વિધાનસભામાં સૌથી વધુ ધારાસભ્યોની ઉથલ પાથલના દૌરથી માંડીને કોર્ટ કેસ સુધીના મામલાઓ ઉભા થયા છે. આ વિધાનસભામાં પાંચ ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરી ચૂક્યા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીઓ બાદ હજુ ગુજરાતની ચાર જેટલી પેટા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવનારું છે ત્યારે આ પરિણામ રૂપાણી સરકાર નું ભવિષ્ય નક્કી કરશે.