Editorial Gujarat National Politics

GST મુદ્દે મોદી સરકાર માટે ગુજરાતમાંથી આવ્યા દુઃખદ સમાચાર, રૂપાણી સરકાર પણ ચિંતિત

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાં જીએસટી મુદ્દે ભારે વિરોધ થયો હતો ,ઉપરાંત આ મુદ્દે ઘણુ રાજકારણ પણ ગરમાયુ હતુ.ત્યારે GST મુદ્દે બહાર આવેલ આંકડાઓ ની હકીકતે ગુજરાત તેમજ કેન્દ્ર સરકારને ભારે આંચકો આપ્યો છે.ગુજરાતમાં GST ના અમલ બાદ રાજ્યની આવકમાં રૂપિયા ૬૩૩ કરોડનો ઘટાડો નોંધાયો છે. જયારે GST હેઠળ આવરી ન લેવાઈ હોય તેવી પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સની આવકમાં વધારો થયો છે. આમછતાં એકંદરે રાજ્યની આવકમાં ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાત સરકારે પંદરમાં નાણાપંચ સમક્ષ જીએસટીના અમલને કારણે આવક ઘટી રહી હોવાની ચિંતા વ્યકત કરી હતી. આ સંદર્ભે રાજ્ય સરકારના કોમશિર્યલ ટેકસ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગયા વર્ષે એપ્રિલ થી જૂન,૨૦૧૭ના સમયગાળામાં તે વખતે લાગુ વેટની આવક રૂપિયા ૮,૯૫૮ કરોડ થઈ હતી. તેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂનમાં જીએસટી આવક રૂપિયા ૭,૭૨૦ કરોડ થઈ છે, જે ૧૩.૮ ટકાનો ઘટાડો દશાર્વે છે.

મળતી માહીતી મુજબ, જૂન થી એપ્રિલ ૨૦૧૭ના સમયગાળામાં પેટ્રોલ ડીઝલમાંથી રૂપિયા ૪,૯૪૩ કરોડની આવક થઈ હતી.જ્યારે ૨૦૧૮ના વર્ષમાં સમાન કવાર્ટરમાં રૂપિયા ૫,૫૪૯ કરોડ થઈ છે. બીજી બાજુ રાજ્યની કુલ કર આવક એપ્રિલ થી જૂન,૨૦૧૭ના સમયગાળામાં રૂપિયા ૧૩,૯૦૨ કરોડ હતી. જયારે ૨૦૧૮ના સમાન કવાર્ટરમાં જીએસટીના અમલ બાદ કુલ આવક રૂપીયા ૧૩,૨૬૯ કરોડ થઈ છે. આમ, રાજ્ય સરકારની કુલ આવકમાં ૬૩૩ કરોડનો ઘટાડો થતા એકંદરે સાડા ચાર ટકાનો ઘટાડો નોધાયો છે.