કોરોનાનો કહેર : જનતાને સમજવાની જરૂર છે, નેતાઓ તો મત માટે મોતની પણ પરવા કરે એવા નથી !

0
1099

ચૂંટણીના તાયફાઓ અને દિવાળીમાં સરકાર મૂક પ્રેક્ષક બનીને જોતી રહી અને હવે રહી રહીને ડહાપણ આવ્યું છે ત્યારે કોરોના ના વધતા કહેર માટે જવાબદાર કોણ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : દિવાળીના તહેવારો બાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. મોટા શહેરો તેમજ મહાનગરોમાં કોરોના નો કહેર વધી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ હવે ગામડાઓમાં પણ ધીરે ધીરે કોરોના ના કેસો બહાર આવતા ‘ તબેલામાંથી ઘોડા છૂટયા પછી તાળા મારવા’ ટેવાયેલી રૂપાણી સરકાર હવે રહી રહીને જાગી છે. જે સરકારની બેદરકારી પ્રતિબિંબિત કરે છે.

જો કે 8 વિધાનસભાની પેટાચૂંટણીઓ દરમિયાન ભાજપના નેતાઓએ કોરોનાના દાંડિયા ખેલવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. અગાઉ પણ ભાજપના નેતાઓએ સભાઓ અને સરઘસો કરીને લોક મેળાઓ યોજી જાણીજોઈને કૂવામાં પડવા જેવી વૃત્તિ પ્રદર્શિત કરી હતી.

જોકે કોરોના ના કેસો વધતા ગુજરાતના મહાનગરોમાં કર્ફ્યુ લાગ્યા બાદ પણ ભાજપના નેતાઓ ‘ મત માટે મોતની પરવા ન હોય’ એમ પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમારંભ યોજીને વાહ વાહી સાંભળવા માટે બાવરા બન્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સરકારે લોકો પાસેથી હજાર રૂપિયાના દંડ લેતા પહેલા ભાજપના નેતાઓ પાસેથી નિયમોના ધજાગરા ઉડાવવા બદલ દંડ વસુલ કરવો જોઈએ. જ્યાં સુધી સરકાર તાયફાઓ યોજતા નેતાઓ પાસેથી દંડ વસુલવાની હિંમત નહીં કરે ત્યાં સુધી સરકારના પારદર્શક વહીવટના દાવા પોકળ જ સાબિત થશે !!!