Editorial National Politics Trending

વીજળીકરણ અંગેના PM મોદી ના આ દાવા ને તેમનાં જ મંત્રાલયે ખોટો સાબીત કર્યો

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગત એપ્રિલ મહિનામાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે મણિપુર રાજ્યના લેઇસાંગ ગામમાં વીજળી પહોંચવાની સાથે જ દેશના તમામ ગામડાઓમાં વીજળી પહોંચી છે. સરકારે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ દેશના બધા ગામડાઓમાં વીજળી પહોંચાડવાની શરુઆત કરી હતી. પરંતુ રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના તાજા આંકડાઓમાં આ લક્ષ્યાંક હજુ ઘણો દૂર જણાઇ રહ્યો છે.

જાણવા મળેલ મીડિયા રિપોર્ટ અનુસાર સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યુટ ઑફ રુરલ સ્ટડીઝના નિષ્ણાત પલ્લભ ભટ્ટાચારના જણાવ્યા અનુસાર રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ભલે એમ કહે કે 5 હજાર ગામડાઓમાં વીજળીકરણનું કામ બાકી છે. પરંતુ હકિકતમાં આવા ગામડાઓની સંખ્યા લગભગ 13 હજાર પણ હોઇ શકે છે.

વળી, રુરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર આ ગામોમાં વીજળી ઝડપથી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એવા ગામ છે જ્યાં વીજળીકરણ થવાનું હજુ બાકી છે અને ત્યા 1044 ગામમાં હજુ વીજળી પહોંચી નથી. ત્યાર બાદ ઓરિસ્સામાં 666 અને બિહારમાં 533 ગામમાં વીજળી પહોંચી નથી.