Editorial Gujarat Politics

નિષ્ફળતાઓ છુપાવવા કૉંગ્રેસ પર દોષારોપણ કરનાર રૂપાણી સરકાર શુ ગુજરાતની જનતાને મૂર્ખ સમજે છે ?

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનું શાસન છે. 1996થી ગુજરાતમાં ભાજપે સત્તાના પાયા નાખ્યા છે અને ગુજરાતની જનતાએ પણ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે. તેમાંયે નરેન્દ્ર મોદીના શાસને ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ લગાવી દીધા હતા અને માત્ર દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ગુજરાત એક આદર્શ મોડેલ બની ચૂક્યું હતું. ત્યારે જ્યારથી ગુજરાતમાં રૂપાણી નું શાસન આવ્યું છે, ત્યારથી મોદીનું ગુજરાત મોડેલ કોઈને કોઈ પ્રકારે બદનામ થઈ રહ્યુ છે, પછી એ પાટીદાર આંદોલન હોય, ખેડૂત આંદોલન હોય, ફિક્સ પગારદારો નું આંદોલન હોય,આશા વર્કર બહેનોનું આંદોલન હોય કે દલિતોની બરહેમી પૂર્વક પીટાઈનો મામલો હોય, મગફળી કૌભાંડ હોય કે મહિલાઓ, બાળકીઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ હોય, રૂપાણી સરકાર હરહંમેશ જવાબ આપવાની સ્થિતિમાં  મૂકાય ત્યારે સીધો જવાબ આપવાને બદલે, પોતાની નબળાઈ સ્વિકારવાને બદલે તરત જ કોંગ્રેસ પર આક્ષેપો કરીને કૉંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળી દે છે ત્યારે શુ CM રૂપાણી, Dy. CM નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓ આ ગુજરાતની જનતા ને મૂર્ખ સમજે છે? એ સવાલ નિરૂત્તર છે.

હવે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ગુજરાતીઓનું માથું શરમથી ઝુકાવી રહ્યા છે ત્યારે પણ રૂપાણી સરકાર હજુ ય રાજકારણ રમવામાંથી ઊંચી આવતી નથી.સરકાર આક્ષેપો કરે છે એ મુજબ, પરપ્રાંતિયો પર થતાં હુમલાઓ પાછળ કોંગ્રેસના ટોચના નેતાઓ જવાબદાર છે તો તેમની સામે ફરિયાદ કેમ દાખલ નથી થતી? રાજય અને કેન્દ્ર માં ભાજ્પ ની જ સરકાર છે, તો પછી દોષિતો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? પકડાયેલા કસૂરવારોમાં કોંગ્રેસના ટોચના નેતાઓ કેમ નથી? જેટલી ચાલાકી થી ભાજ્પ આક્ષેપો કરે છે એટલી જ ચાલાકીથી નક્કર કામગીરી કરવામા કોની શરમ આવે છે ?

22-22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. આટલું શક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને આવડાં મોટાં કાવતરાં કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર શું ઘોળીને પીવા માટે છે? ગુરુવારે રાત્રે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં ટોળા ખુલ્લી તલવારો સાથે નીકળી પડ્યા, તોડફોડ કરી, પરપ્રાંતિયો વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રો પોકાર્યા એ ઘટના સરકારને ગંભીર ન લાગી? એ વખતે જ પોલીસતંત્ર હરકતમાં કેમ ન આવ્યું? ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી શકે છે એ વિશે સીઆઈડીએ કોઈ માહિતી કેમ ન આપી? અફવાઓ ફેલાતી રોકવા ઈન્ટરનેટ બંધ કરવાનું વહીવટીતંત્રને કેમ ન સૂઝ્યું? કે પછી પોલીસ, સીઆઈડી પણ કોંગ્રેસના છે?