Editorial EDUCATION Gujarat Politics

રૂપાણી સરકારની ડિજિટલ શિક્ષણની વાતો વચ્ચે અડધા કરોડના ખર્ચે બનેલ સ્કુલ બિલ્ડિંગમાં 17 વર્ષથી લાઈટ જ નથી !

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ઍક બાજુ CM રૂપાણી ગુજરાતની શાળાઓ ને ડિજિટલ કરવાની વાતો કરે છે,તો બીજી બાજુ હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં શાળા ના મકાન ના ઠેકાણા નથી, તો ક્યાંક મકાન છે તો વીજળી ના ઠેકાણા નથી.આવો જ ઍક કિસ્સો પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક ભૂખરી નેશ વિસ્તારમાં આવેલ સરકારી શાળા નો બહાર આવ્યો છે કે જયાં 2001 માં સરકારે અડધા કરોડ રૂપીયાના ખર્ચે બહુમાળી બિલ્ડીંગની સુવિધાથી સજ્જ સ્કૂલ તો બનાવી પણ વિજળીની સુવિધા આપવામાં આવી નથી.જેને લઇ ટ્યુબલાઈટ, બલ્બ, પંખા, ટીવી વગેરે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબીત થઈ રહેલ છે.

મળતી માહીતી મુજબ, પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક ભૂખરી નેશ વિસ્તારમાં 17 વર્ષ પહેલા સરકારે અડધા કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ બહુમાળી બિલ્ડીંગનું નિર્માણ કર્યું છે. અને આ બિલ્ડીંગમાં ટ્યુબલાઈટ, પંખા, ટીવી વગેરે ઉપકરણો સરકારે આપ્યા છે,પણ શાળામાં વિજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં ન આવી હોવાને કારણે છાત્રોને અભ્યાસ કરવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાના આચાર્ય ઈ.સ. 2001 થી સરકારની વિવિધ કચેરીઓમાં રજૂઆતો કરી રહ્યા છે તેઓએ વડાપ્રધાન કાર્યાલયમાં પણ રજૂઆત કરી છે. શાળાના આચાર્યની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય, સાંસદ વગેરેએ આ શાળાની મુલાકાત લીધી હતી અને માત્ર આશ્વાસનો જ આપ્યા હોય તેમ અહીં આજ દિવસ સુધી લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.

આ અંગે પી.જી.વી.સી.એલ. વિભાગ અને ફોરેસ્ટ વિભાગ ઍક બીજાને ખો આપી રહયા છે. પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ કહે છે કે આ વિસ્તાર ફોરેસ્ટ વિભાગમાં આવે અને ફોરેસ્ટ વિભાગ મંજુરી આપે તો અમે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરશું.ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કહે છે કે ભૂખરી નેશ શાળાના આચાર્ય અને પી.જી.વી.સી.એલ. વિભાગની રજૂઆતને ધ્યાને લઈ અમે બે વર્ષ પહેલા લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગેની મંજુરી માટે ઉચ્ચકક્ષાએ જાણ કરી છે પણ હજુ સુધી મંજુરી મળેલ નથી. મંજુરી મળવાની સાથે જ તાત્કાલીક ધોરણે લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવા માટેના પ્રયાસો હાથ ધરાશે.