Editorial Gujarat

સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના ટ્યુશન કરનારા શિક્ષકો માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર

મો.ન્યુ.ફો.નેટવર્ક. : છેલ્લાં કેટલાંક સમયથી ફી નિયમન મુદ્દે રાજકારણ ગરમાયુ હતુ,ત્યારે રાજયભરમાં ગ્રાંટેડ અને નોન ગ્રાંટેડ શાળાઓના શિક્ષકો દ્વારા ગેરકાયદે રીતે ધમધમતી ટયુશનની બદી સામે ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશન ઓફ ગુજરાતના હેમાંગ રાવલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની જાહેર રિટ અરજી દાખલ કરવામાં આવી છે.

આ જાહેરહિતની રિટ અરજીમા ઉલ્લેખ કરાયો છે કે ગુજરાત સરકારના તા.૩૦-૪-૨૦૦૨ના અધિનિયમ અને જાહેરનામા મુજબ, રાજયની કોઇપણ ગ્રાંટેડ કે નોન ગ્રાંટેડ શાળાના શિક્ષકો શાળા સિવાયના સમયમાં ટયુશન સહિતની કોઇપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે નહી. ખુદ સરકારના કાયદામાં ટયુશનની બદી પર પાબંદી ફરમાવાયેલી હોવાછતાં વર્ષોથી રાજયભરમાં ગ્રાંટેડ અને નોન ગ્રાંટેડ શાળાના હજારો શિક્ષકો દ્વારા ગેરકાયદે રીતે ટયુશનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

એટલું જ નહી, ખાસ કરીને ધોરણ-૧૦માં બોર્ડની પરીક્ષા જે ૭૦ માર્કસની લેવાય છે અને બાકીના ૩૦ માર્કસ શાળા દ્વારા મૂકવામાં આવતા હોય છે, તે પ્રથાનો ભારે દૂરપયોગ અને ગેરલાભ ઉઠાવી શિક્ષકો બોર્ડના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને રીતસરના બ્લેકમેઇલ કરે છે અને ટયુશન ના બંધાવે તો, ઓછા માર્કસ આપવાની કે નાપાસ કરવાની ધમકીઓ આપતા હોય છે. અરજદારપક્ષ તરફથી આ સમગ્ર મામલે રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીથી લઇ છેક પીએમઓ અને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય સહિતના સત્તાવાળાઓ સમક્ષ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરી ટયુશન અધિનિયમનું પાલન કરાવવા અનેક વખત માંગણીઓ કરી છે.

અરજદારપક્ષ તરફથી રાજય સરકારના સત્તાવાળાઓને ધોરણ-૧૦માં ૩૦ ઇન્ટર્નલ માર્કસની જે વ્યવસ્થા છે, તેની પુનઃસમીક્ષા કરવા પણ અનુરોધ કરાયો છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોના ટયુશનના બ્લેકમેઇલીંગથી બચી શકે. ટયુશન પર પ્રતિબંધ ફરમાવતો ખુદ સરકારનો કાયદો હોવાછતાં રાજયમાં તેનો કોઇ જ અસરકારક અમલ થતો નથી ત્યારે આ મામલે હાઇકોર્ટની દરમ્યાનગીરી અનિવાર્ય બની છે.