Agriculture Editorial Gujarat Trending

વરસાદને લઇને ઉત્તર ગુજરાતના ખેડુતો માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર, જે જાણીને લાગશે આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 11.21 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. 2017માં 12.27 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું હતું. મળેલી માહિતી પ્રમાણે, કુલ 11.21 લાખના વાવેતરમાંથી 4.72 લાખ હેક્ટરમાં મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 450 મિલીમીટર એટલે કે સરેરાશ વરસાદના 54 ટકા વરસાદ થયો છે. સામાન્ય રીતે રાજ્યમાં વાર્ષિક સરેરાશ વરસાદનો આંકડો 831 મિલીમીટર છે. સત્તાવાર આંકડા પ્રમાણે, ઉત્તર ગુજરાતના 51 તાલુકાઓમાંથી 29 તાલુકાઓમાં સિઝનનો સરેરાશ 25 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત, અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પાક નાશ પામ્યો છે જેના કારણે ખેડૂતોને પ્રતિ વીઘા 4,000 રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવણી થઈ હતી તેમાંથી 40 ટકા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 28 ટકા જ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોને ઊભો પાક નાશ પામવાની ભીતિ છે. ખેડૂતોએ જમીનમાં વાવણી કરવા માટે મજૂરો અને બિયારણ પાછળ પ્રતિ વીઘા 5,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

પાટણ- મહેસાણા જિલ્લાના ખેડૂતો એ morning news focus સાથેની વાત ચિત માં જણાવેલ કે, ” જે  ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું હતું તેમને પાક નિષ્ફળ જવાનો ભય છે. ખેડૂતો હવે બીજો કોઈ પાક પણ નથી લેવા માગતા કારણકે જો હજુ વરસાદ ખેંચાશે તો નવો વાવેલો પાક પણ નિષ્ફળ જઈ શકે છે.”

ખેડૂતો ના મત મુજબ , ખેડૂતો પાક બચાવવા નર્મદાના પાણીનો વપરાશ કરે છે. આ વર્ષે નર્મદાનું પાણી મળ્યું નથી અને ખેડૂતો વાવણી પણ થોડી મોડી કરી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. જો પાક નિષ્ફળ જાય તો નાના ખેડૂતો જેમની પાસે 3 વીઘા જેટલી જમીન છે તેમને 15,000 રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.”