વતનની વ્હારે ગયેલ ત્રણ કોરોના વોરિયર્સના વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં થયેલ નિધનથી ભારે શોક : સહાય આપવા ઉઠી માંગ

વતનની વ્હારે ગયેલ ત્રણ કોરોના વોરિયર્સના વડોદરા નજીક માર્ગ અકસ્માતમાં  થયેલ નિધનથી ભારે શોક : સહાય આપવા ઉઠી માંગ

વતનની વ્હારે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ગયેલા ત્રણ કોરોનાવાયરસ ના નિધનથી સુરત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે શોકની લાગણી

સરકારે આ કોરોનાવાયરસ ના નિધન અંગેની નોંધ લઇ તેમના પરિવારજનોને સહાય આપવા ઉઠી માંગ

મોર્નિંગ ન્યૂઝ નેટવર્ક સુરત : સૌરાષ્ટ્રના રાજુલા જાફરાબાદ કોરોના સેન્ટરમાં સેવા કરવા સુરતથી પહોચેલા કોરોના વોરીયર્સ જયારે સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું અક્સ્માત સર્જાતા દુખદ અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ખાતે રાજુલા જાફરાબાદ કોવિડ સેન્ટરમાં સેવા કરીને ત્રણ જેટલા સુરતના કોરોના વોરીયર્સ સુરત પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.

સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત ફરી રહેલા સેવાભાવીઓની કારને વડોદરાની કપુરાઇ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતાં. અકસ્માતને પગલે બ્રિજ પાસે રહેલા લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોણીગેટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહોને ફાયરબ્રિગેડની મદદથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.

મૃતકો સૌરાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સેવા કરીને પરત સુરત આવી રહ્યા હતા અને તેમની કારને અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ ગોજારા અકસ્માતમાં સુરત ઓલપાડ રોડ પર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36.)  સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27, સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામના રહેવાસી રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42)ના મોત થયા છે.