National

ઘર વિહોણાને ‘લાઈફ મિશન યોજના’ હેઠળ આ રાજ્યની સરકાર આપી રહી છે મફતમાં ઘર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ગુજરાતમાં રૂપાણી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના તળે પાંચ લાખથી લઈને ૧૭ લાખ સુધીમાં ઘર વિહોણા લોકોને ઘર આપી રહી છે, ત્યારે કેરળ સરકાર દ્વારા ઘર વિહોણા લોકોને એક પણ રૂપિયો લીધા સિવાય ટુ બીએચકે ફ્લેટસ આપવાની લાઈફ મિશન નામની યોજના શરૂ કરી હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસ ના અહેવાલોમાં જાણવા મળ્યું છે.

કેરળ સરકારે ઘરવિહોણા લોકો માટે એક ખાસ યોજના શરુ કરી છે, જેમાં પસંદ થયેલા લોકોને મફતમાં ટુ બીએચકે ફ્લેટ આપવામાં આવે છે. લાઈફ મિશન નામની આ યોજનાના પહેલા તબક્કામાં કેરળના ઈડુક્કી જિલ્લામાં 217 ફ્લેટ બનાવવામાં આવ્યા છે, જેમાં સલોમી જેવા લોકો હાલ રહી રહ્યાં છે. જેમની પાસે પોતાની જમીન ન હોય કે ઘર ન હોય તેવા લોકોને સરકાર આ યોજનાનો લાભ આપી રહી છે.

કેરળમાં થયેલા ઓફિશિયલ સર્વેમાં 5.78 લાખ પરિવારો પાસે રહેવા માટે ઘર ન હોવાનું બહાર આવ્યું છે. સરકારે સૌ પહેલીવાર આવા લોકો માટે જે ફ્લેટ બનાવ્યા છે તે 500 સ્કવેર ફુટના છે, અને દરેકમાં એક હોલ, બે બેડરુમ અને બે બાથરુમ તેમજ રસોડું છે. પંચાયત સેક્રેટરી કેએન સહજાનને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું છે કે, ઈડુક્કી જિલ્લામાં 473 પરિવારો પાસે રહેવા ઘર કે જમીન ન હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. આવા લોકો ભાડે કે પછી કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતાં હતા

સરકારે જે લોકોને ફ્લેટ આપ્યા છે તેની તેમને કોઈ કિંમત નથી ચૂકવવાની. તેમને દર મહિને મેઈન્ટેનન્સ પેટે સાડા સાતસો રુપિયા ચૂકવવા પડશે. આ ફ્લેટમાં 24 કલાક પાણી ઉપરાંત સિક્યોરિટીની પણ વ્યસ્થા છે. એક ઘર અને સોસાયટીમાં હોવી જોઈએ તેવી તમામ સવલતો તેમાં સરકારે ચોકસાઈથી આપી છે. કેરળ સરકારનો ટાર્ગેટ બે વર્ષની અંદર રાજ્યમાં રહેતા તમામ ઘરવિહોણા લોકોને પાક્કું મકાન આપી દેવાની છે. હાલ રાજ્યમાં આવા પરિવારોની સંખ્યા 1.15 લાખ છે. દરેક જિલ્લામાં ઘરવિહોણા લોકો માટે ‘ઘરનું ઘર’ બનાવવા સરકાર પ્રોજેક્ટ લોન્ચ કરી રહી છે.