ઊંઝા : APMC માં સેસ કૌભાંડ કે પછી બદનામ કરવાનું ષડયંત્ર ? ધારાસભ્યએ કર્યો સ્ફોટક ખુલાસો

0
1357
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા એપીએમસી નું કથિત સેસ કૌભાંડને લઈને અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે. જોકે આક્ષેપ કરનારાઓએ આક્ષેપો સાબિત ન કરી ને એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા એપીએમસી ની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડ્યો છે ત્યારે આ સેસ  કૌભાંડમાં આક્ષેપ કરનાર સૌમિલ પટેલે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ સામે પણ આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે ઊંઝાના ધારાસભ્ય આ બાબતે ખુલીને મેદાનમાં આવ્યા છે અને આ સેસ કૌભાંડ હતું કે પછી ઊંઝા એપીએમસી ને બદનામ કરવાનું ષડયંત્ર તેને ખૂલ્લું પાડી દેતાં સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે.
ઊંઝાના ધારાસભ્યએ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બનેલ ઊંઝા એપીએમસીના સેસ કૌભાંડને લઈને તટસ્થ તપાસ અંગે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી છે. તો બીજી બાજુ મીડિયા દ્વારા પૂછાયેલા સવાલોના જવાબમાં આશાબેન પટેલે જણાવી દીધું હતું કે ઊંઝા એપીએમસીને બદનામ કરવા માટે એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ ષડયંત્ર નો મોહરો એપીએમસીના કર્મચારી સૌમિલ પટેલ ને બનાવવામાં આવ્યો છે કારણ કે સૌમિલ પટેલ એ જીએસટી ચોરીમાં નાસતા ફરતા ડિરેક્ટરનો ભત્રીજો છે.
આશાબેન પટેલે ધમા મિલન સામે રોષ વ્યક્ત કરતા મીડિયામાં જણાવ્યું હતું કે ધમા મિલન ના ઈશારે આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધમા મિલનનું જુગારધામ બંધ થઈ જવાથી તેમજ તેની અનૈતિક પ્રવૃત્તિઓ માં સાથ ન આપવાને કારણે ઊંઝા એપીએમસી ને અને મારા ધારાસભ્ય પદને બદનામ કરવાનું આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જો કે ઉંઝામાં ચાલતાં ધમા મિલનના જુગારધામ અંગેના આ નિવેદનથી ગૃહ મંત્રાલય હરકતમાં આવી ગયું છે અને આ અંગે કડક તપાસના આદેશો અપાયા હોવાનું પણ બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ અને ધારાસભ્ય ડો. આશાબેન પટેલ સામે સેસ કૌભાંડના આક્ષેપો હજુ સુધી આક્ષેપ કરનાર વ્યક્તિ સાબિત કરી શક્યો નથી પરંતુ ભૂગર્ભમાં ઉતરી રહ્યો છે. ત્યારે હવે આ અંગે એપીએમસી ને બદનામ કરનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને તટસ્થ તપાસ કરવા માટે સરકારના સહકાર વિભાગ દ્વારા આદેશ અપાયા છે. અત્રે નોંધનીય છે કે જિલ્લાના રજિસ્ટ્રાર દ્વારા આ બાબતની તપાસ ચાલી રહી છે.
ઊંઝાના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એપીએમસી સાથે કંઈ લેવાદેવા હોતું નથી કારણકે એપીએમસી એક સહકારી સંસ્થા છે સરકારી નહીં. પરંતુ જ્યારે કોઈ સરકારી કે સહકારી કાર્યક્રમ હોય અને આ કાર્યક્રમ એપીએમસીના સહયોગથી હોય ત્યારે વિચાર વિમર્સ માટે એપીએમસીમાં જવું પડે એ સ્વાભાવિક પ્રક્રિયા છે જે અગાઉના ધારાસભ્ય દ્વારા પણ થતી હતી. પરંતુ જ્યારે ઊંઝાના ધારાસભ્ય ઉપર સીધો સેસ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ બાબતે માહિતી મેળવી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સ્ફોટક નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. તેમણે આપેલ નિવેદન પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ આક્ષેપો ઊંઝા એપીએમસી ને બદનામ કરવાના ષડયંત્રથી વિશેષ બીજું કાંઈ ન હોઈ શકે !