ઊંઝા APMC માં ખળભળાટ : ખેડૂત પ્રતિનિધીને ફટકારાઈ નોટિસ, ડિરેકટર પદ થઈ શકે છે રદ !

0
418

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીને બદનામ કરવા માટે આંગળી ચીંધનાર ખેડૂત પ્રતિનિધિ સંજય પટેલને ગાંધીનગર નિયામકે વેપારી હોવા છતાં ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડવા અંગેની માહિતી છુપાવવાના કેસમાં કારણદર્શક નોટિસ ફટકારતાં ખળભળાટ મચી ગયો છે.

કારણકે નિયમો મુજબ ગંજ બજારમાં વેપારી પેઢી ધરાવનાર વ્યક્તિ ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડે તે વિસંગતતા ભરેલું છે. જોકે સંજય પટેલ ઊંઝા બજારમાં વેપારી પેઢી નો વેપાર કરી લાખો નો ટેક્સ ચૂકવ્યો હોવાથી તેઓ ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી શકે નહીં એવી ફરિયાદના અનુસંધાનમાં નિયામકે તેમને નોટિસ ફટકારી આધાર પુરાવા સાથે હાજર થવા ફરમાન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા એપીએમસીના ડિરેક્ટર એવા ખેડૂત પ્રતિનિધિ સંજય કુમાર મફતલાલ પટેલ ઊંઝા બજાર વિસ્તારમાં આર્યન એન્ટરપ્રાઇઝ નામની માલિકી પેઢી મારફતે જીએસટી પેઢી સાથે વેપાર કરી સરકારમાં લાખોનો ટેકસ ભરપાઈ કરેલ હોવાથી ઊંઝા વિસ્તારના વેપારી હોવા છતાં માહિતી છુપાવીને એપીએમસીની એકાદ વર્ષ અગાઉ થયેલ ખેડૂત વિભાગની ચૂંટણીમાં ખેડૂત પ્રતિનિધિ તરીકે ઉમેદવારી કરી વિજેતા થયા હતા.

આમ તેમણે વ્યાપારી હોવાની માહિતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છુપાવી હતી તેથી તેમને ડિરેક્ટર પદેથી ગેરલાયક ઠરાવવા થયેલી અરજીના સંદર્ભે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર વિભાગે તપાસ કરી હતી અને આ બાબતે ઊંઝા એપીએમસી તથા જિલ્લા રજીસ્ટાર કચેરી થી પણ અભિપ્રાય મેળવીને ગાંધીનગર નિયામકે ઉપરોક્ત ખેડૂત પ્રતિનિધિને આગામી તારીખ 23-11- 2020 ના રોજ આધારિત રેકોર્ડ પુરાવા સાથે ગાંધીનગર હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે