ઊંઝા : કોરોના કેસ વધતા પોલીસ અને પાલિકા તંત્ર એકશન મોડમાં, માસ્ક પહેરવા સતત અપીલ

0
889

ઊંઝા PSI આર. કે. પાટીલ અને તેમની પોલીસ ટીમ દ્વારા માસ્ક ન પહેરનારા લોકો સામે કરાઈ દંડાત્મક કાર્યવાહી, લોકોને માસ્ક પહેરવા માટે સતત અપીલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના ના કેસો માં દિવાળીના તહેવારો બાદ ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ મહાનગરોમાં રાત્રિના સમયે કરફ્યુ લાદવામાં આવ્યું છે. જેને લઈ ઊંઝા નગરમાં પણ પોલીસ તંત્ર અને પાલિકા તંત્ર એકશનમાં આવી ગયું છે.

ઊંઝામાં આજે વહેલી સવારથી જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ.પટેલની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે પાટીલના માર્ગદર્શન મુજબ પોલીસ ટીમ દ્વારા ઠેર ઠેર પોલીસ ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં માસ્ક ન પહેરનાર લોકોને પોલીસ પ્રેમથી અને જો ન માને તો કાયદાથી સમજાવતી હતી અને માસ્ક પહેરવા માટે અનુરોધ કરતી હતી. જો કે માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરી હતી.

તો બીજી બાજુ ઊંઝા નગરપાલિકા તંત્ર દ્વારા લાઉડ સ્પીકર દ્વારા લોકોને માસ્ક પહેરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત દુકાને દુકાને ફરીને લોકોને માસ્ક પહેરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ઉંઝામાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે પોલીસ અને પાલિકા તંત્ર લોકોને માસ્ક પહેરવા માટે સતત અપીલ કરી રહ્યું છે.