ઊંઝા માર્કેટયાર્ડ જીરું, વરિયાળીની સોડમથી મહેકી ઉઠ્યું : વેપારીઓ અને ખેડૂતો ખુશખુશાલ

0
9

મોર્નિંગ ન્યુઝ ફોકસ ફોકસ, ઊંઝા : ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ એશિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ યાર્ડ છે. અહીં જીરૂ, વરિયાળી, ઈસબગોલ સહિતના અનેક પાકો વેચવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી ખેડૂતો દર વર્ષે આવતા હોય છે. જો કે આ વર્ષે lockdown ને પરિણામે થોડાક સમય માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માલ ની હરાજી બંધ રાખવામાં આવી હતી પરંતુ સરકારના આદેશ મુજબ ઊંઝા એપીએમસી માર્કેટ જીરૂ, વરિયાળી વગેરેની આવકો થી ધમધમતું થયું છે ત્યારે જીરા અને વરિયાળી ની સોડમ થી સમગ્ર ઊંઝા માર્કેટયાર્ડ મહેકી રહ્યું છે.

ઊંઝા માર્કેટયાર્ડ ને ધમધમતું કરવા માટે ઊંઝાના મહિલા ધારાસભ્ય ડો. આશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ ડિરેક્ટર ગણ દ્વારા એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને માર્કેટયાર્ડમાં જ્યારે વેપારીઓ પોતાનો માલ વેચવા માટે આવે ત્યારે સોશિયલ distance નું પાલન થાય તેમ જ વેપારીઓ માસ્ક પહેરીને જ માર્કેટ યાર્ડ માં આવે આ ઉપરાંત પોતે સેનેટાઈઝર નો પણ ઉપયોગ કરે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઊંઝા વેપારી મંડળ એસોસિએશનના પ્રમુખ ભાનુભાઈ જોષીના જણાવ્યા મુજબ દૈનિક જીરું ની 50 હજાર બોરીની આવક, વરિયાળીની 25 હજાર બોરી કરતાં વધારેની આવક થઈ રહી છે. ‘ખરું તોલ, સાચું માપ અને રોકડ નાણાં’ ના સિદ્ધાંત પર વેપારીઓ ખેડૂતોનો માલ ખરીદી રહ્યા છે ત્યારે સતત જીરૂ વરીયાળી ની આવકો થી વેપારીઓ પણ ખુશ છે તો બીજી બાજુ રોકડ નાણાં મળવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઊંઝા માર્કેટયાર્ડ ધમધમતું થતાં ખેડૂતો અને વેપારીઓના ચહેરા ઉપર જે ખુશી દેખાઈ રહી છે તેને જોઈને આત્મ સંતોષ ની લાગણી થઇ રહી હોવાનું એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું.