ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે CM, Dy. CM અને કૃષીમંત્રીને લખ્યો પત્ર : અતિવૃષ્ટિ સહાયમાં ઊંઝા,વડનગરને સમાવવા માંગ

0
906

મહેસાણા જિલ્લાના ઉંઝા અને વડનગર તાલુકા ને પણ સહાય આપવા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને કૃષીમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : રૂપાણી સરકારે જાહેર કરેલ 3700 કરોડ રૂપિયાનુ ખેડૂતો માટેનું સહાય પેકેજ જાહેર કરાતાં ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.પણ સરકારે જાહેર કરેલ પેકેજમાં 20 જિલ્લાઓના માત્ર 123 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ પણ એવા કેટલાય તાલુકાઓ બાકાત છે કે જ્યાં સો ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ૬૦ ટકા કરતા વધારે પાકને નુકસાન થયું છે છતાં તેનો સમાવેશ થયો નથી.

જેમાં મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકામાં 100 ટકા કરતાં વધારે વરસાદ પડ્યો છે જેથી ૬૦ ટકા જેટલા પાકને નુકસાન થયું છે છતાં પણ સહાય માંથી ઊંઝા તાલુકાને બાકાત રખાયો છે.જેને લઈ ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષી મંત્રીને લેખિત રજૂઆત કરી ઊંઝા અને વડાપ્રધાન મોદીના વતન વડનગરને સહાયમાં સમાવવા માંગ કરાઈ છે.

અત્રે નોંધનીય છે કે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતરમાં થયેલ નુકશાનને વળતર મળશે. ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

આ માટે 3700 કરોડ રૂપિયાનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે. ઓછામાં ઓછા રૂ. 5000 ચુકવવાનો સરકારનો નિર્ણય છે.જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે.