ઊંઝાના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી : સિવિલ હોસ્પિટલ માટે તાત્કાલિક અસરથી લેવાયો મોટો નિર્ણય

ઊંઝાના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી : સિવિલ હોસ્પિટલ માટે તાત્કાલિક અસરથી લેવાયો મોટો નિર્ણય

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  કોરોના ના વધતા જતા કેસોને લઈને ઊંઝામાં પણ સ્થિતિ કપરી બની ગઈ હતી. કારણકે ઊંઝાની સિવિલ હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા તો કરાઈ પરંતુ પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી અનેક પ્રશ્નો ખડા થતા હતા. જેને લઇને ઊંઝાના સક્રિય તેમજ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ દ્વારા સરકારમાં ધારદાર રજૂઆત કરાઇ હતી.

ડો. આશાબેન પટેલ દ્વારા ઊંઝામાં સિવિલ હોસ્પિટલમાં પૂરતો મેડિકલ સ્ટાફ આપવા માટે કરાયેલી ધારદાર રજૂઆતના સંદર્ભે તાત્કાલિક અસરથી ઊંઝા હોસ્પિટલ માટે વર્ગ ૨ અને વર્ગ-૩ના કુલ 4 કર્મચારી ફાળવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે હાલમાં ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ૩૦ જેટલા ઓક્સિજનયુક્ત બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને હજુ વધારે ઓક્સિજનયુક્ત બેડ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સામુહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા ખાતેથી એક તબીબી અધિકારી વર્ગ-૨ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કહોડા ખાતેથી સ્ટાફ નર્સ બે અને લેબ ટેક્નિશિયન એક ને 20 એપ્રિલથી દસ દિવસ સુધી ઊંઝા ખાતે જનરલ હોસ્પિટલ ના અધિક્ષકના માર્ગદર્શન મુજબ કામગીરી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આમ ઊંઝા જનરલ હોસ્પિટલમાં વધારાનો ૪ વ્યક્તિનો મેડિકલ સ્ટાફ ફાળવવામાં આવતા હોસ્પિટલની કામગીરીને વેગ મળશે અને દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ થઇ શકશે.