Gujarat Humanity Lifestyle Politics

રૂપાણી સરકારના છેવાડાના વિસ્તારો સુધી પાણી આપવાના દાવા પોકળ, પાણીના અભાવે મૂંગા પશુઓનાં મોત

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સમગ્ર ગુજરાતમાં  નહિવત વરસાદ પડવાને કારણે પાણી પાણીના પોકારો ઉઠી રહ્યા છે. ત્યારે  ગુજરાતના છેવાડાના વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સમી, રાધનપુર હારીજ  વગેરે વિસ્તારોમાં  પાણીની તંગીને કારણે ઢોરઢાંખર મરવા લાગ્યા છે.જો કે પાટણ,રાધનપુર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ખરેખર સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું.

કચ્છ,રાધનપુર અને પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીના પોકાર ઉઠ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે.મીડિયા અહેવાલો મુજબ, સમી તાલુકાના ભદ્રાડા ગામ અને આજુ બાજુના વિસ્તારોમાં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે.

સમી તાલુકાના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પીવાના પાણીની મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે અને પાણી મેળવવા લોકોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે. ગામમાં આવેલ તળાવ પણ પાણી વિના સૂકાભઠ્ઠ બની જવા પામ્યા છે. ત્યારે તળાવ પાસે આવેલું કૂવાનું દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે આરોગ્ય સામે પણ ખતરો ઉભો થઈ શકે છે. પરંતુ આ દૂષિત પાણી સિવાય બીજો કશેથી પાણી મળતું ના હોવાને કારણે લોકોને મજબૂરીથી આ પાણી પીવાની ફરજ પડી રહી છે.

પાણી વિના પશુઓની હાલત પણ દયનીય બની ગઈ છે. ધીમે ધીમે પાણી વિના ગાય, ભેંસ પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય સહિતના રાજકારણીઓ  માત્ર ને માત્ર રાજનીતિ કરવામાં વ્યસ્ત બની રહ્યા હોય એમ ચર્ચાય રહ્યું છે. લોકોને મુશ્કેલીઓનો ઉકેલ લાવવાને બદલે માત્ર ને માત્ર પોતાની સત્તા માટે ની રાજનીતિ કરવામાં વ્યસ્ત રાજકારણીઓ સામે પણ લોકોમાં ફીટકારની લાગણી વરસી રહી છે.