‘ પાટીલયાત્રા ‘ નું શુ છે રહસ્ય ? શા માટે બીજી વાર પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ થયો રદ ? જાણો

0
1159
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સી.આર.પાટીલે થોડાક સમય પહેલાં સૌરાષ્ટ્રમાં યાત્રા કરી હતી જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના ભાજપના તમામ કાર્યકરો સાથે સંપર્ક કર્યો હતો અને કાર્યકરોને જૂથવાદ ભૂલીને ફક્ત તન મન અને ધનથી પક્ષ માટે કાર્ય કરવા માટે હાકલ કરી હતી. ત્યારબાદ તેમણે ઉત્તર ગુજરાત નો પ્રવાસ શરૂ કર્યો. હવે ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ ફરીથી તેઓ બે દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે જવાના હતા પરંતુ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સી. આર. પાટીલ આગામી 9 અને 10 સપ્ટેમ્બર ત્રણ જિલ્લાના પ્રવાસે જવાના હતા. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન અગાઉ સી.આર.પાટીલ ની આંખમાં ઇજા પહોંચી હતી. ગઈકાલે જ્યારે તેઓ મહેસાણા ઊંઝા ના પ્રવાસે હતા ત્યારે પણ તેમની આંખમાં વધારે દર્દ થતો હોવાનું જાણવા મળ્યું હતું કારણ કે વારંવાર તેઓ આંખ મસળતા કેમેરામાં કેદ થયા હતા.
આમ તેમની આંખમાં હજુ પણ નાની મોટી તકલીફ હોય તેવું ભાસી રહ્યું છે ત્યારે તેમના સ્વાસ્થ્ય માટે પણ થોડોક પ્રવાસ પહેલા નો બ્રેક જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સ્થાનિક સ્તરે વધુ સમયની માગના કારણે આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી આ પ્રવાસની તારીખ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની યાત્રા દરમિયાન કયા કયા જિલ્લાઓના કયા વિસ્તારોમાં જૂથબંધી છે તે ખાનગી રાહે સર્વે કરી લીધો હોવાનું ભાજપના કાર્યકરો માની રહ્યા છે.